શેરડીના ટેકાના ભાવ ટન દીઠ 6000 ભાવ નક્કી કરવા રાજ્ય સરકારે ભારત સરકારને ભલામણ કરતા શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

શેરડીના ટેકાના ભાવ ટન દીઠ 6000 ભાવ નક્કી કરવા રાજ્ય સરકારે ભારત સરકારને ભલામણ કરતા દક્ષિણ ગુજરાત સહિત સુરતના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં અંદાજિત 5 લાખ ખેડૂતો ચાર લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે. શેરડીની ખેતીમાં જે પણ આવક થાય એના પર પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે જે રીતે શેરડીની ખેતીમાં સતત ખેડૂતોને ખર્ચ વધી રહ્યો છે જેને લઇને ગુજરાત રાજ્ય સરકારે શેરડીના ટન દીઠ 6000 રૂપિયા ભાવ કરવા ભારત સરકારને ભલામણ કરી છે અને ભારત સરકાર ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિકિલો 31થી વધારીને 45 કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. જો ખાંડની કિંમત વધે તો જ 6000 રૂપિયા પ્રતિ ટન શેરડીના આપી શકાય તેવું ખેડૂતોનું માનવું છે. ત્યારે રાજ્ય સરકારે કરેલ ભારત સરકારને ભલામણને સુરત જિલ્લા ખેડૂત આગેવાન અને સહકારી નેતા જયેશ પટેલએ આવકારી હતી.




