પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઓનલાઇન ફોર્મ પોર્ટલ બંધ કરાતા ડાંગ કોંગ્રેસે પોર્ટલ ચાલુ કરવા કલેકટરને આવેદન પાઠવ્યું

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી વિકાસ યોજના અંતર્ગત વ્યક્તિગત આવાસ યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવા જતા પોર્ટલ બંધ હોવાની સૂચના આવતી હોવા બાબતે મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ પટેલની આગેવાનીમાં કોંગીજનોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે ડાંગ જિલ્લાની ગરીબ આદિવાસી પ્રજા વતી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આદિજાતિ વિકાસ વિભાગ,ગુજરાત રાજ્ય દ્વારા વ્યક્તિગત આવાસ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત અપાઇ છે, જે 20મી જૂનથી 20 જુલાઇ 2024 સુધીની મુદત આપવામાં આવી છે પરંતુ ડાંગ જિલ્લાના લાભાર્થીઓ જ્યારે ઓનલાઇન ફોર્મ ભરવા જતા ઓનલાઇન પોર્ટલ બંધ કરવામાં આવ્યું છે એવી સૂચના આપવામાં આવે છે. ડાંગમાં માત્ર ચોમાસા આધારિત ખેતી પર કુંટુંબો નભે છે અને બાકીના સમયે બહારના રાજ્ય તેમજ બહારના જિલ્લામાં રોજગારી માટે સ્થળાંતર કરી જાય છે. આવા સંજોગોમાં ડાંગના લોકો પાસે કોઈ બચત થતી નથી અને પોતાનું સ્વપ્ન સમાન એક ઘર માટે સરકારની યોજનાઓ પર આધાર રાખવો જ પડે છે.
સરકાર દ્વારા આવાસની જાહેરાત આવતા ડાંગના લોકો ખુશી અનુભવી રહ્યાં હતા ત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના માત્ર એક અઠવાડિયામાં પોર્ટલ બંધ કરી દેવાતા ઘર બનાવવાનું સપનું વિખેરાઈ જતું નજરે પડી રહ્યું હોય એવી લાગણી પ્રવર્તી રહેતા નિરાશા સાંપડી. વ્યક્તિગત આવાસ માટેની બંધ કરી દેવાયેલ ઓનલાઈન પોર્ટલ ફરી શરૂ કરવામાં આવે અને ડાંગ જિલ્લાને વિશેષ દરજ્જો આપી લક્ષ્યાંક વધારવામાં આવે તેવી માંગ કરી હતી.




