ભરૂચ લોકસભાના સાંસદ અને આખાબોલા નેતાની છાપ ધરવાતા મનસુખ વસાવા વધુ એકવાર ચર્ચામાં
આ વખતે મનસુખ વસાવાના નિશાના ઉપર ડેડીયાપાડા તાલુકાના વન કર્મીઓ આવ્યા


ભરૂચ લોકસભાના સાંસદ અને આખાબોલા નેતાની છાપ ધરવાતા મનસુખ વસાવા વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે મનસુખ વસાવાના નિશાના ઉપર ડેડીયાપાડા તાલુકાના વન કર્મીઓ આવ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપો સાથેની એક પોસ્ટ સોશિયલ મીડિયા મારફતે કરી છે. જેમાં તેઓએ વન કર્મીઓને આડેહાથ લઈ તેઓની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. મનસુખ વસાવાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ થકી જણાવ્યું છે કે, વન કર્મીઓ ઉપર રહીને જંગલ કપાવે છે. ખેડાણ કરાવે છે. આ રીતે સાંસદે ફરી એકવખત અધિકારીઓ ઉપર બળાપો ઠાલવ્યો છે.
‘વન કર્મીઓ ઉપર રહીને જંગલ કપાવે છે’: સાંસદ
સાંસદ મનસુખ વસાવાએ ફેસબુક પર પોસ્ટ મૂકી લખ્યું છે કે, ડેડીયાપાડા તાલુકાના બાંડી સેરવાન, કોલીવાડા તથા અલમાવાડી જેવા ગામોના આગેવાનોએ તેઓની રૂબરૂ મળી જંગલ બચાવવાની રજૂઆત કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વન કર્મીઓ ઉપર રહીને જંગલ કપાવે છે, ખેડાણ કરાવે છે. જેના કારણે આ વિસ્તારમાં જંગલ નષ્ટ થતું જાય છે. ગાયો, ભેંસો અને બકરાઓ વગેરે ચારો ચરાવવા માટે જંગલ બચતું જ નથી. જંગલ બચાવવા વૃક્ષ ક્ષેધન અટકાવવું અને વૃક્ષારોપણના કાર્યક્રમ કરવાની રજૂઆતો મળી રહી છે.
સાંસદ મનસુખ વસાવાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ
મહત્વની બાબત છે કે ભરૂચ અને નર્મદા જિલ્લાની બોર્ડરના ભાગે મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલું છે, પરંતુ આ વિસ્તારને પણ જાણે કે કમાણીનું સાધન અને આર્થિક લાભ થાય તે માટેના પ્રયાસ કેટલાક લોકો કરી રહ્યા હોવાની ચર્ચાઓ સાંસદની આ પ્રકારની પોસ્ટ બાદથી શરૂ થઈ છે. જેમાં સીધા જ વનરક્ષક અધિકારીઓની સંડોવણીની ગંભીર બાબતો ખૂદ સાંસદ જણાવી રહ્યાં છે.
તપાસ કમિટીની રચના કરી કાર્યવાહી કરવી જરૂરી
હાલ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા બાદ હવે ગુજરાત વન સરક્ષણ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિકો અને સાંસદની રજૂઆતને ગંભીરતાથી લઈ આ મામલે તપાસ કમિટીની રચના કરી થયેલા આક્ષેપો મામલે અત્યાર સુધી કેટલા વૃક્ષ જંગલમાંથી નષ્ટ થયા અને તેના લાકડા સહિતની સામગ્રી ક્યાં ગઈ તે દિશામાં તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવાની જરૂર જણાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ચૈતર વસાવા બાદ મનસુખ વસાવા પ્રકૃતીને બચાવવા મેદાને
લોકસભાની ચૂંટણી પહેલાં નર્મદા જિલ્લાના દેડીયાપાડાના ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે એક વનકર્મીને માર મારવાના બનાવમાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. ત્યારે ધારાસભ્ય દ્વારા એક ખેડૂતનો ઉભો પાક નષ્ટ કરવા બાબતે વનકર્મી સાથે રકઝક થઈ હતી. બીજી તરફ હવે ભરૂચના સાંસદ પણ પ્રકૃતીને બચાવવા બાંયો ચડાવી છે અને વનકર્મીઓ દ્વારા વૃક્ષો કાપવામાં આવી રહ્યાં હોવાના સાંસદ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે. ત્યારે હવે નર્મદા જિલ્લામાં વનકર્મીની કામગીરી સામે સાંસદ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સામે જિલ્લા વન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.




