નેત્રંગ આરોગ્ય કેન્દ્રમાં વોર્ડ સુધી ગાય પહોંચી ગઇ
બાયો મેડિકલ વેસ્ટની કચરાપેટીમાં મોઢું પણ માર્યું

નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકાના 78 ગામના લોકો સરકારી રાહે નિદાન અને સારવાર માટે આવતા હોય છે .જેમાં વર્ષની 40 હજાર જેટલી ઓપીડી હોય છે તેમજ અલગ અલગ પ્રકારના ઓપરેશનના કેમ્પ પણ રાખવામાં આવે છે. આ સાથે સીએચસીના કમ્પાઉન્ડમાં ઊગી નીકળેલા ઘાસને ખાવા માટે પશુ પણ આવતા હોય છે.
તેવામાં ગત દિવસોમાં એક ગાય ચરતી ચરતી સામુહીક આરોગ્ય કેન્દ્રના પાછળના ભાગેથી અંદર ઘુસી આવી હતી. આ ગાયનો વિડિયો શરૂઆતથી જ કોઈ વ્યક્તિએ ઉતારી લીધો હતો જે આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.. આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અર્થે આવેલ યુવાને ગાયને બહાર કાઢી હતી. જોકે આ વાયરલ વીડીયો જૂન માસનો હોવાનું બહાર આવ્યું છે પરંતુ આરોગ્ય કેન્દ્રમાં ગાય ઘૂસી જાય છે તે ઘણી ગંભીર બાબત કહી શકાય તેમ છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. રાજયભરમાં રખડતાં પશુઓનો આતંક છે ત્યારે પશુઓને રખડતાં મુકી દેનારાઓ સામે પણ પગલાં ભરાવા જોઇએ.




