ડોસવાડા પાસે રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી

સોનગઢ તાલુકાના ડોસવાડા ગામ પાસે આવેલ રેલવે લાઈનના અંડરબ્રિજમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા હોય અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગે તાકીદે કામગીરી દાખવી અંડરબ્રિજના ઊંડા ખાડા પૂરવામાં આવે એવી માંગણી ઉભી થઇ છે.
સોનગઢ -બંધારપાડા સ્ટેટ હાઇવે પર ડોસવાડા ગામ નજીક થી પસાર થતી તાપ્તી વેલી રેલવે લાઇન પર એક રેલવે ફાટક આવેલ છે.આ રેલવે ફાટક થઇ અંદાજિત 40 કરતા વધુ ગામના લોકો અને વાહનચાલકો પસાર થતા હોય આ સ્થળે કાયમી ટ્રાફિક જામ રહેતો હતો અંતે અહીં રેલવે લાઈન પર અંડરબ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને તેનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે.આ કામગીરીના કારણે મુખ્ય રસ્તો એવો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે જેથી વાહનચાલકો માટે અંદાજિત એકાદ કિલોમીટરના ચકરાવો સાથેનો ડાયવર્ઝન રોડ શરૂ કરવામાં આવ્યો છે અને એ રોડ રેલવે લાઈનના એક નાના અંડરબ્રિજ માંથી પસાર થાય છે.આ અંડરબ્રિજની આસપાસ પાકો રસ્તો બનાવાયો છે પરંતુ અંડરબ્રિજમાં અને તેની આસપાસ પડેલ ખાડા પૂરવાના બાકી રહી ગયા છે અને વરસાદ શરૂ થઇ ગયો છે.હવે અંડરબ્રિજ માં આસપાસના નાળાઓ અને વેકળાઓમાંથી મોટા પ્રમાણમાં વરસાદી પાણી અહીં આવી રહ્યા છે અને એનો યોગ્ય નિકાલ થતો ન હોય બ્રિજમાં એક-દોઢ ફૂટ જેટલા પાણી કાયમી ધોરણે ભરાઈ રહે છે.આ એકત્રિત થતા પાણીને કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલના ચાલકોએ પાણી માંથી પોતાના વાહનો પસાર કરવા માટે ઘણી મુશ્કેલી પડી રહી છે.આ રસ્તો બંધારપાડા ગામ તરફ જતા ઘણા ગામના લોકો અને વાહન ચાલકો માટે ઘણો જ ઉપયોગી છે ત્યારે સરકારી અને રેલવે તંત્ર તાકીદે કામગીરી હાથ ધરે અને લોકો અને વાહન ચાલકોની મુશ્કેલી દૂર કરે એવી માંગણી ઉભી થઇ છે.




