સાગબારા તાલુકામાંથી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું
લગભગ 100 ક્વિન્ટલ સરકારી ઘઉંનો જથ્થો સગેવગે કરવાનું કરવાનું કામ ચાલતું હતું

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ પકડાતા અન્ય તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે. ફરિયાદ કરનાર ભરૂચના જાગૃત નાગરિકે જણાવ્યા મુજબ તેમને બાતમી મળી હતી કે, સાગબારા તાલુકામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જે બાતમીના આધારે પાંચપીપરી ગામ તા. સાગબારાના ગોડાઉનની પાછળના ભાગે તપાસ કરતાં ત્યાં ટેમ્પો ઉભો હતો.
આ ટેમ્પામાં સરકારી ઘઉંનો જથ્થો ઉતારીને ટેમ્પાની સામેના ગોડાઉનમાં ખાલી કરાતો હતો. એ જોઈને અમે તાત્કાલિક સાગબારા મામલતદારને ટેલીફોનીક ફરિયાદ કરતા ત્યાંના સર્કલ ઑફિસર અન્ય સ્ટાફ સાથે આવ્યા અને ત્યાં તપાસ કરતા ટેમ્પો માલિક, ચાલક ટેમ્પો મૂકી નાશી છૂટયા હતા. ગોડાઉન અને ટેમ્પોમાં અધિકારીએ તપાસ કરતા બંને જગ્યા પરથી લગભગ 100 ક્વિન્ટલ સરકારી ઘઉંનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ચાલતું હોવાનું જોવા મળ્યું અને એને અધિકારીએ પકડી પાડ્યું હતું.
સરકારી અનાજ સગેવગે કરનાર વ્યક્તિઓ ઘઉંના કંતાન પર સરકારી લેબલ હોવાથી તેને ઉલ્ટા કરી લેબલ અંદરના ભાગે કરી ઘઉંનો જથ્થો ભરતા હતા. આ ટેમ્પો સરકારી અનાજ જાહેર વિતરણ કરતો હોવાના પણ અંદરથી પુરાવા મળી આવ્યા છે, ટેમ્પોમાં જીપીએસ લાગેલું છે પણ એ બંધ છે કે ચાલુ તે જાણી શકાયું નથી. આ ટેમ્પો સરકારી અનાજ ભરીને ક્યાં ક્યાં ગયો છે. તેની તપાસ માટે સીસીટીવી કેમેરા ચેક કરવા પણ ફરિયાદમાં જણાવ્યું છે.
આ કૌભાંડમાં સરકારી અધિકારીઓની પણ સંડોવણી હોવાની શંકા લાગી રહી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ સરકારી અનાજ આપતા ટેમ્પોનો પરવાનો રદ કરવા પણ ફરિયાદીએ માંગણી કરી છે. તો શું આ લાખોનું સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં અધિકારી તટસ્થ તપાસ કરી વર્ષોથી આ વેપલો કરતા સ્થાનિક વેપારી સામે કડક કાર્યવાહી કરશે કે પછી અધિકારી પોતાના અંગત ફાયદા માટે ભીનું સંકેલશે એ જોવાનું રહ્યું છે.
સરકારી અનાજ સગેવગે કરવાનો આ ધંધો ઘણા વર્ષોથી એક સ્થાનિક વેપારી કરી રહ્યા છે અને એ ઉચ્ચ અધિકારીઓ સુધી હપ્તા આપતો હોવાથી આ વેપારીઓનો ક્યારેય વાળ વાંકો થયો નથી અને બિન્દાસ બેરોકટોક આ ધંધો કરતો આવ્યો છે. તેવી ચર્ચા આ પંથકમાં સંભાળવા મળી છે, જો આ ચર્ચા સાચી હોય તો વિજિલન્સની તપાસ જરૂરી છે.




