સમુલ ડેરીની બારડોલી બેઠક પર ભાજપના અંદરો અંદર ડખ્ખા
મેન્ડેડ વિરૂદ્ધ જઈને બારડોલી તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ બિપિન ચૌધરીએ ઉમેદવારી નોંધાવતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યા

દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની બારડોલી બેઠકની આગામી 5 તારીખે ચૂંટણી આવી રહી છે. જેને લઇને ભાજપ દ્વારા સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલને મેન્ડેડ આપી ઉમેદવાર બન્યા છે. જોકે બારડોલી તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ બિપિન ચૌધરીએ પણ સુમુલ ડેરીની બારડોલી બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી હતી. પાર્ટી તરફથી તેઓને મેન્ડેડ આપવામાં ન આવતા તેઓએ ભાજપની વિરુદ્ધમાં જઈને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને ઉમેદવારી નોંધાવી છે.
બિપિન ચૌધરી ટસના મસ ન થયા
જેને લઇને ભાજપ દ્વારા તેઓને ઉમેદવારી પરત ખેંચવા મનામણાં શરૂ કર્યા હતા. જોકે બિપિન ચૌધરી ટસના મસ ન થતા આખરે સુરત જિલ્લા ભાજપે તેઓ વિરૂદ્ધ પગલાં ભર્યા હતા અને તેઓને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. આજરોજ ભાજપ દ્વારા પક્ષ વિરૂદ્ધ જઈને સહકારી ચૂંટણીમાં ઉમેદવારી કરનાર વધુ એક નેતાને સસ્પેન્ડ કરી દેતા સુરત જિલ્લાનું રાજકારણ ગરમાઈ ગયું હતું.
ભાજપે બિનહરીફ બેઠક ગુમાવી, હવે ચૂંટણી થશે
ઉલ્લેખનિય છે કે, સુરત સુમુલ ડેરીની બારડોલી બેઠક પર કુલ 58 મતદારો છે. કોંગ્રેસનું ઉમેદવારી પત્રક રદ થયું હતું. જો ભાજપના નેતા બિપિન ચૌધરીએ ઉમેદવારી ન નોંધાવી હોત તો ભાજપ માટે આ બેઠક બિનહરીફ રૂપે મળી શકતી હતી. ત્યારે હવે ચૂંટણીમાં પશુપાલકો ક્યા નેતાને પસંદ કરે છે એ રસપ્રદ રહેશે.





