સાગબારા સરકારી અનાજ કૌભાંડ મામલામાં મેનેજર સહિત બે આરોપીની ધરપકડ

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપ અને આપના નેતાઓ એકબીજા સામે આક્ષેપબાજી કરતાં હોય છે. પણ અંદરખાને તમામ એક જ હોવાનું સાબિત કરતી ઘટના બની છે. થોડા દિવસો પહેલાં સાગબારામાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજની દુકાને પહોંચાડવાનો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં સુરત ભાજપ યુવા મોરચાના નેતા સહિત 8 આરોપી સામે મામલતદારે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની આગળ વધી રહેલી તપાસમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓના નામો પણ ખુલ્યા છે.
8 આરોપી સામે નોંધાયેલી ફરિયાદમાં હાલ પોલીસે ગોડાઉન મેનેજર ભાવેશ કાનજી ડાંગોદરા તથા કોલાવાન ગામના દૌલત ભાંગા નાઇકની ધરપકડ કરી છે અને અન્ય આ કૌભાંડમાં સંડોવાયેલા 6 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કરી 5 ટીમ બનાવી તેમની શોધખોળ હાથ ધરી છે. જે ટેમ્પામાં સરકારી અનાજ સગેવગે થતું હતું તે રોઝદેવ ગામના આનંદ વસાવાની માલિકીનું છે અને તે કોંગ્રેસનો આગેવાન છે. જે જિલ્લા પંચાયતનો સભ્ય પણ રહી ચુક્યો છે.
તેવી જ રીતે ગોડાઉન ભવરીસાવર ગામના શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવાનું ગોડાઉન હોવાનું કે જેને ભાડે લઈને આ સરકારી અનાજ તે ગોડાઉનમાં ઉતરતું હતું. શૈલેન્દ્રસિંહ આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ છે.
પાંચપીપરીના રાજેન્દ્ર રામસિંગ વસાવા, ઉભારીયાના જય દિનેશ વસાવા, અરિહંત એગ્રો સેલ્સના પ્રોપ્રાઇટર મનીષ ગવરચંદ શાહ અને સેલંબાના સચિન શાહ જે ભાજપના આગેવાન છે.
આમ સમગ્ર કૌભાંડમાં રાજકીય પાર્ટીઓની આગેવાનોની મિલીભગતથી ગરીબોના અનાજનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હોવાની બાબત સામે આવી છે.
નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોઈપણ દબાણને વશ થયા વગર બિલકુલ પારદર્શક રીતે તપાસ કરવામાં આવશે. રાજકીય આગેવાનોના નામો આવ્યા છે અને કસૂરવારને કોઈ પણ સંજોગોમાં છોડીશું નહિ. વધુમાં જણાવ્યું કે, આ ખાનગી ગોડાઉન બાબતે તપાસ કરતા ગોડાઉન સચિન નવનિતલાલ શાહની માલિકીનું હોવાથી તેમના જણાવ્યા મુજબ, શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવાએ મૌખિક કરારથી માસિક રૂપિયા 8 હજારના ભાડે આપ્યું હોવાનું જણાવ્યું હતું. શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવાએ આ ગોડાઉન છેલ્લા બે માસથી ભાડે રાખ્યું હતું. આ ખાનગી ગોડાઉનમાં સી.સી.ટી.વી. કેમેરા પણ બંધ હોવાનું જણાયું હતું. તેમજ જયકુમાર દિનેશભાઇ વસાવા રહે.બોરડીફળી (ઉભારીયા), FPS દુકાનનાં સંચાલક હોવાથી પકડાયેલો જથ્થો તેમની દુકાન માટે ફાળવેલા જથ્થો ઘઉંના કટ્ટા નંગ- 8 ટેમ્પોમાં ગોડાઉન ખાતે ઉતારવા માટે આવતા આ ઘઉંના કટ્ટા પણ જપ્ત કર્યા હતા.
ગોડાઉનમાંથી અન્ય સરકારી ઘઉંના કટ્ટા કુલ- 192 આમ કુલ- 200 જેટલા ઘઉંના કટ્ટા જપ્ત કરવામાં આવ્યા છે. સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરીમાં સરકારી અનાજ સગેવગે કરનાર ભાવેશભાઇ કાનજીભાઈ ડાંગોદરા જેઓ સરકારી કર્મચારી હોય અને સાગબારા તથા ડેડીયાપાડાના સરકારી અનાજના ગોડાઉનનો ચાર્જ ધરાવે છે. તેમની ફરજ અનાજના કટ્ટા ઉપર સરકારી સીલ મારવાની તેમજ સીલાઇ દોરી બદલવાની હોય છે. તેઓએ સરકારી ધારા-ધોરણ અને નિયમ મુજબ પેકિંગમાં અને સરકારી દોરામાં ફેરફાર નહીં કરી ગેટપાસ આપી સરકારી અનાજ ખાનગી ગોડાઉન સંચાલકોને બારોબાર જથ્થો પુરો પાડી ગુનાહિત કાવતરૂં કર્યું છે.
આ સમગ્ર મામલે સાગબારા મામલતદાર એસ.જે.નિઝામાએ સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનો 25 જુલાઈ 2024ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. આ સરકારી અનાજના હેરાફેરી તેમજ સંગ્રહના ગુનામાં (1) ભાવેશભાઇ કાનજીભાઈ ડાંગોદરા ઇન્ચાર્જ સરકારી ગોડાઉન મેનેજર અને (2 ) દૌલતભાઇ ભાંગાભાઇ નાઇક અટકાયત કરવામાં આવી છે. જ્યારે (1) આનંદભાઈ અદેસીંગ વસાવા (2) શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા (3) રાજેન્દ્રભાઇ રામસિંગ વસાવા (4) જયકુમાર દિનેશભાઇ વસાવા, (5) સુરત નવ મનીષભાઈ ગવરચંદ શાહ, અરિહંત એગ્રો સેલ્સના પ્રોપરાઇટર (6) સચિન નવનિતલાલ શાહની અટક કરવાના બાકી છે. તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી અટકાયતના ચક્રો ગતિમાન કર્યા છે. આમાં કોઈની શેહશરમ રાખ્યા વિના તટસ્થ તપાસ કરવામાં આવશે.




