વ્યારાના છેવડી ગામનો કોઝવે ધોવાતા તા. પંચાયત સભ્યની વારંવાર રજૂઆત છતાં સ્થળ મુલાકાતમાં આળસ કરતા અધિકારીઓ

વ્યારા તાલુકાના છેવડી ગામે જંગલ વિસ્તારમાંથી ગામ તરફ જવાનો રસ્તા ઉપર વરસાદી પાણીના પૂરને લઈને રસ્તો ધોવાઈ ગયો છે. જેને લઈને વિદ્યાર્થીઓ, ગ્રામજનો, વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તો જર્જરીત થયા ને એક સપ્તાહ જવા છતાં વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર મુલાકાત લઇ કોઈ આયોજન ન કરતા જેને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
વ્યારા તાલુકા પંચાયતના સભ્ય નિલેશભાઈ ગામીત દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તાપી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સ્થળ મુલાકાતે આવેલ નથી. વ્યારા તાલુકાના છેવડી ગામે જંગલ વિસ્તારમાંથી ગામ તરફ જતા રસ્તા ઉપરનો કોઝવેની વરસાદે બિસ્માર હાલત કરી છે. સ્ટ્રક્ચર સહિત કોઝવેને વરસાદી વહેણ ખસેડી ગયું હોવાથી વાહન વ્યવહાર સદંતર ઠપ થઈ ચૂક્યો છે. રસ્તા કોઝવેનું ધોવાણ થતા જનજીવન હાલાકીમાં મુકાઈ ગયું છે. છેવડી ગામ જંગલ અંતરિયાળ વિસ્તારમાં આવતું ગામ હોય અતિ ભારે વરસાદના લીધે જે નુકસાન થયું એને એક અઠવાડિયું નીકળી ગયું તેમ છતાં આજ દિન સુધી તાપી જીલ્લા સરકારી તંત્ર ના અધિકારીઓ સ્થળ મુલાકાતે આવેલ નથી.
જાગૃત ગ્રામજનો દ્વારા રાણીઆંબા જુથ ગ્રામ પંચાયત ના અધિકારીને પણ જાણ કરી છે. તેમ છતાં વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવેલ નથી જેના કારણે ત્યાંના પશુપાલકો, વિદ્યાર્થીઓ, આરોગ્ય, દવાખાને તેમજ રોજગારી અર્થે જતા ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાપી જીલ્લા કલેક્ટર આ બાબતની ગંભીરતાંથી નોંધ લઈ તાત્કાલીક અસરથી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાવે એવી જંગલ માં રહેતાં આદિવાસી સમાજના ગ્રામજનો અપેક્ષાઓ રાખી રહ્યા છે .




