સુમુલની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં 98 % મતદાન સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન

દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુરત સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. યોજાયેલી આ પેટા ચૂંટણીમાં 98.27% મતદાન સાથે નિર્વિઘ્ને સંપન્ન થઈ હતી. બે દિવસ બાદ ચૂંટણીના પરિણામો જાહેર થશે.
અનેક દાવપેચ બાદ ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં નામાંકન પત્ર ખેંચવાની અંતિમ અવધી સમયે સુરત જિલ્લા પંચાયત ના કારોબારી સમિતિ અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ (બામણી) તથા બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બીપીનચંદ્ર ચૌધરી સીવાય અન્ય તમામ ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. બંને ઉમેદવારો ભાજપના રહેતા ભાજપના મોડીમંડળે જીતેન્દ્ર પટેલના નામનો મેન્ટેડ જારી કર્યો હતો. પોતાની વિરુદ્ધનું મેન્ડેડ હોવા છતાં બીપીનચંદ્ર ચૌધરીએ ઉમેદવારી ચાલુ રાખતા ભાજપ દ્વારા તેમની વિરુદ્ધ શિસ્તભંગ ના પગલા ભરી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા.
વિવિધ 58 દૂધ મંડળીઓના પ્રતિનિધિ મતદાર ધરાવતી બારડોલી બેઠક ન બારડોલીના ધૂળિયા રોડ ઉપર આવેલ સુરત જી.સહ. સંઘ મુકામે યોજાયેલી પેટા ચૂંટણીમાં માત્ર એક મતદાર અરવિંદ પટેલ (કરચકા) વિદેશ હોવાના કારણે ગેરહાજર રહ્યા હતા. જ્યારે અન્ય 57 પ્રતિનિધિ મતદારોએ ચૂંટણી પૂર્ણ થવાના સમય ના અડધો કલાક પહેલા મતદાન કર્યું હતું. મંગળવારે મતદાન ના સ્થળે પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર જીજ્ઞા પરમારની ઉપસ્થિતિમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે.




