સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણી પૂર્ણ:ભાજપના જીતેન્દ્ર પટેલની જીત થઈ
પક્ષની વિરુદ્ધમાં જઈને ઉમેદવારી કરનાર બિપિન ચૌધરીને 57માંથી 18 મત મળ્યા

દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુરત સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણી ગતરોજ યોજાઇ હતી. 58 મતદારોમાંથી 57 મતદારોએ મતદાન કર્યું હતું.
આ ચૂંટણીમાં ભાજપે સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલને મેન્ડેડ આપી ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપને આ બેઠક બિનહરીફ રૂપે મળી શકે એમ હતી, પરંતુ ભાજપના નેતા અને બારડોલી તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ બિપિન ચૌધરીએ પક્ષ વિરૂદ્ધ જઈને ઉમેદવારી નોંધાવી હતી. જેને લઇને ભાજપ VS ભાજપનો જંગ જામ્યો હતો. ત્યારે આજરોજ આવેલા પરિણામએ ચિત્ર સ્પષ્ટ કરી દીધું હતું. જેમાં ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર પટેલને 57માંથી 38 મત મળ્યા હતા. જ્યારે બિપિન ચૌધરીને 18 મત મળ્યા હતા, તો એક મત રદ થયો હતો. ત્યારે ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર પટેલની જીત થતા સહકારી ક્ષેત્રે ભાજપનો વટ્ટ યથાવત રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લાખ મનામણા છતાં પણ બિપિન ચૌધરીએ ઉમેદવારી પરત નહિ ખેંચતા ભાજપે હાલ તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.




