બારડોલી

સુમુલની ચૂંટણીમાં ઉમેદવારી બદલ પક્ષમાંથી સસપેન્ડ કરાયા બાદ હવે પદેથી હટાવવાનો તખ્તો તૈયાર

સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ સંગઠનના આદેશની ઉપરવટ જઇ બેઠક માટે ઉમેદવારી નોંધાવનાર બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા બાદ હવે તેમના વિરુદ્ધ તાલુકા પંચાયતના ઉપપ્રમુખપદેથી હટાવવા માટે તખ્તો તૈયાર કરી અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવતા ચકચાર મચી છે.

સુમુલ ડેરીની પેટા ચૂંટણીએ સુરત જિલ્લા ભાજપનું સહકારી અને રાજકીય માહોલ ગરમાવ્યો હતો. અગાઉથી જ સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીને લઈ ભાજપના જ બે જુથ આમને સામને હતા. ફેબ્રુઆરીમાં જાહેર થયેલી ચૂંટણી પ્રક્રિયા હાઈકોર્ટે રદ્દ કરી હતી. ત્યારબાદ ફરી ચૂંટણી અંગે જાહેરનામું બહાર પડ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલને ચૂંટણી લડવા માટે ભાજપ દ્વારા મેંડેટ આપવામાં આવ્યું હતું. તેમના વિરુદ્ધ બારડોલી તાલુકા પંચાયતના ભાજપમાંથી ચૂંટાયેલા ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ ઉમેદવારી નોંધાવતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયતના ઉપપ્રમખ પદે હજુ પણ યથાવત હોવાથી બારડોલી તાલુકા પંચાયતની 22 સભ્યોમાંથી 20 સભ્યોએ તેમને ઉપપ્રમુખ પદે દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત આપી હતી. આવનારા દિવસોમાં હવે અવિશ્વાસની દરખાસ્તની ચર્ચા કરવા અંગે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખીનીય છે કે ભાજપમાં ચાલતો અંદરોઅંદરનો વિખવાદ હવે વધુ વકી રહ્યો છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદેથી રોહિત પટેલનું રાજીનામું લઈ લીધા બાદ બારડોલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ બીપીન પટેલ સામે પણ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે.

Related Articles

Back to top button