વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માંગરોળના વાંકલમાં નીકળી વિશાળ રેલી
12000થી વધુ લોકો ઉમટી પડતાં માર્ગ બંધ કરવાની ફરજ પડી

9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ હતો. જેને લઇને બહુમત આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા પણ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે સામાજિક સંગઠનો દ્વારા આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં કીડિયારું ઉભરાઈ ગયું હતું. 12000થી વધુ લોકો ઉમટી પડતા સુરત જિલ્લા પોલીસને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે યોજાયેલી વિશાળ રેલીના આકાશી દૃશ્યો સામે આવ્યા હતા.
વાંકલ – ઝંખવાવ માર્ગ બંધ કરવાની ફરજ પડી
ધાર્યા કરતાં વધુ લોકો ઉમટી પડતાં તંત્ર કામે લાગી ગયું હતું. વાંકલ – ઝંખવાવ માર્ગ જ બંધ કરી દીધો હતો. DJના તાલે હાજર લોકો પરંપરાગત પોશાક પહેરી ઝૂમી ઉઠ્યા હતા. મોડી સાંજ સુધી ચાલેલી આ રેલી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેને લઇને સુરત જિલ્લા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનિય છે કે, વિશ્વ આદિવાસી દિવસને લઇને સુરત જિલ્લાના અલગ અલગ નગરો, ગામડાઓમાં ઉજવણી કરાઇ હતી.




