શું આ રીતે ભણશે ગુજરાત? નવસારીમાં વિદ્યાર્થિનીઓ ક્લાસરૂમમાં ભણવાના બદલે ખેતરમાં ડાંગરની રોપણી કરતી જોવા મળી!

નવસારીના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામમાં આવેલી સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી અને વનાચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ખેતરમાં ડાંગરની રોપણી કરતી હોવાનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે. વિદ્યાર્થિનીઓ જે ખેતરમાં ડાંગરની રોપણી કરી રહી છે તે ખેતર છાત્રાલયના ગૃહમાતાનું જ હોવાનું સામે આવ્યું છે. વાઈરલ વીડિયોને લઈ વિવાદ થતા ગૃહમાતાએ કહ્યું હતું કે, મેં તો વિદ્યાર્થિનીઓ આવવાની ના પાડી હતી પણ વિદ્યાર્થિનીઓએ કહ્યું કે તેને મદદ કરાવવી જ છે. આ મામલે આદિજાતિ વિભાગ દ્વારા પણ તપાસના આદેશ અપાતા ગૃહમાતા અને વિદ્યાર્થિનીઓના નિવેદન લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.
વાંસદા તાલુાકના ઘોડમાળ ગામનો બનાવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામમાં સરસ્વતી કન્યા છાત્રાલય આવેલું છે. અહીં રહેતી વિદ્યાર્થિનીઓ વનાચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. આ છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ સોમવારે ચાલુ વરસાદમાં ડાંગરના ખેતરમાં રોપણી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
ગૃહમાતાની સાથે વિદ્યાર્થિનીઓ ડાંગરની રોપણ કરતી જોવા મળી
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો હતો તેમાં જે ખેતર જોવા મળી રહ્યું છે તે ગૃહમાતા ચંપાબેન બગરીયાનું જ હોવાનું સામે આવ્યું છે. જેમાં ગૃહમાતાની સાથે છાત્રાલયની વિદ્યાર્થિનીઓ પણ ડાંગરની રોપણી કરતી જોવા મળી રહી છે. રોપણી સમયે વરસાદ ચાલુ હોય કેટલીક વિદ્યાર્થિનીઓ ચાલુ વરસાદમાં છત્રી સાથે રોપણી કરતી જોવા મળી રહી છે.
મેં ના પાડી છતા વિદ્યાર્થિનીઓએ કહ્યું- અમારે મદદ કરવી જ છે- ગૃહમાતા
ખેતરમાં ડાંગરની રોપણી કરતો વિદ્યાર્થિનીઓનો વીડિયો વાઈરલ થયા બાદ વિવાદ થતા ગૃહમાતા દ્વારા બચાવ કરતા કહેવામાં આવ્યું હતું કે, મેં વિદ્યાર્થિનીઓ બોલાવી જ નથી. વિદ્યાર્થિનીઓ જાતે જ મને મદદ કરવા આવી હતી. મારી ના પાડવા છતા તેઓએ કહ્યું હતું કે, અમારે મદદ કરાવવી જ છે. ગૃહમાતા ચંપાબેન ખુલાસો આપતા જણાવે છે કે ગઈકાલે સોમવાર હતો એટલે સવારની સ્કૂલ હતી. બપોર પછી વિદ્યાર્થીનીઓ સ્કૂલેથી આશ્રમશાળાએ આવ્યા બાદ મને શોધવા લાગી હતી. મેં તો બપોર બાદ ખેતરે ડાંગર રોપણી માટે ગઈ હતી. જેથી તેઓ મને મદદ કરવાની જીદ કરવા લાગ્યા હતા. મેં તેમને આવું ન કરવા માટે કહ્યું તમને રોપણી નહીં આવડે તમે દૂર રહો એવું કહેવા છતાં પણ તેઓ માન્યા નહીં અને મને મદદ કરી હતી. મેં તેમને રોપણી માટે કહ્યું ન હતું.
આદિજાતિ વિભાગ દ્વારા તપાસનો આદેશ અપાયો
વિદ્યાર્થિનીઓનો વીડિયો વાઈરલ થયા બાદ મદદનીશ આદિજાતિ કમિશનર તપાસ માટે ગામમાં પહોંચ્યા હતા. વાઈરલ વીડિયો મામલે ગૃહમાતા અને વિદ્યાર્થિનીઓના નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.
સરપંચ કહે છે આવું બીજી વખત નહીં થાય
ઘોડમાર ગામના સરપંચ દિનેશ ગામીત જણાવે છે કે, ગઈકાલે રાતના મારી પાસે વિદ્યાર્થિનીઓ કામ કરતી હોય તેવો વીડિયો આવ્યો હતો. જે અંગે મેં સવારે તપાસ કરતા જાણવા મળ્યું કે, વિદ્યાર્થિનીઓ પોતાની ઈચ્છાથી ખેતરમાં ડાંગરની રોપણી કરવા માટે ગઈ હતી. તેઓ વ્યાયામ કરવા કે કોઈ આઉટડોર પ્રવૃત્તિ થાય તેવું વિચારીને ગઈ હશે બીજી વખત આવું પ્રકારનું કાર્ય ન થાય તેની તકેદારી રાખીશું.
વલસાડના સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે, આ વીડિયો સામે આવ્યા બાદ આ મામલે તપાસ કરવા કહેવામાં આવ્યું છે. આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર સ્થળ પર પહોંચી નિવેદનો લીધા હતા. આ મામલે રિપોર્ટ ફાઈલ થયા બાદ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.




