તાપીસુરત

સુરત-તાપી જિલ્લામાં ભારત બંધનો મિશ્ર પ્રતિસાદ

મહુવા, માંડવી, વાંકલ, ઉંમરપાડા અને આદિવાસી પટ્ટાના ગામોની બજારો ન ખૂલી તો બીજી તરફ બારડોલી સહિતના નગરોમાં રાબેતા મુજબ ચહલપહલ રહી

અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો સુરત જિલ્લામાં ભારત બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. બારડોલી, કડોદરા, પલસાણા, કામરેજ નગરને છોડીને મહુવા, માંડવી, વાંકલ, ઉંમરપાડા અને આદિવાસી પટ્ટાના ગામોની બજાર સજ્જડ બંધ રહી હતી. બંધને અમુક વિસ્તારોમાં સમર્થન આપી વિરોધ કર્યો હતો. સુપ્રિમ કોર્ટના નિર્યણ બાદ મોડી સાંજે લોકોને સોશ્યલ મીડિયા થકી જાણ કરવામાં આવી હતી. જેથી બુધવારના રોજ કેટલાક વિસ્તારોમાં વેપારીઓએ સમર્થન આપી સદંતર બંધ રાખી સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધને સમર્થન આપ્યું હતું.

આ બંધના સમર્થનમાં આદીવાસી આગેવાનોએ વેપારીઓને બંધ રાખવાની અપિલ કરી હતી. આદીવાસી આગેવાનોએ જણાવ્યું હતું કે સદીઓથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે અન્યાય થઈ રહ્યો છે. એસટી અને એસસી સમુદાયના લોકો હજુ પણ આર્થિક રીતે પછાત છે. તેમણે કહ્યું કે ખાનગી સંસ્થાઓમાં અનામત ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં મોટાભાગના બાળકો શૈક્ષણિક, રાજકીય અને સામાજિક રીતે પાછળ છે.જેના પગલે ગ્રામ્ય વિસ્તારના લોકોએ સ્વયંભૂ બંધ પાળીને સમર્થન જાહેર કર્યું હતું. એલાનને કોઈ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

બારડોલીમાં બંધની નહીંવત અસર

SC-ST અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બુધવારે (21 ઓગસ્ટ) 14 કલાકના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બારડોલીમાં સવારથી બજાર ખૂલ્યું હતું. પરંતુ એસસી-એસટી સંગઠનના કેટલાક નેતાઓએ બજાર બંધ કરાવ્યુ હતું. જો કે થોડી વાર બાદ મોટા ભાગની દુકાનો ફરી ખૂલી ગઈ હતી. બારડોલીમાં ભારત બંધની અસર નહિવત જોવા મળી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવા અંગેની વાત કરવામાં આવી છે. જેને કારણે એસસી એસટીના અલગ અલગ સમાજોમાં વર્ગ વિગ્રહ ઊભો થવાની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે. આથી આ નિર્ણયના વિરોધમાં સમગ્ર દેશમાં એસસી એસટી સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. બારડોલીમાં પણ એસસી એસટીના સંગઠનોએ ભારત બંધ સફળ બનાવવા માટે બુધવારના રોજ બજારમાં ફરી દુકાનો બંધ કરાવી હતી. જો કે થોડા સમયમાં ફરીથી દુકાનો ચાલુ થઈ ગઈ હતી. આમ બારડોલીમાં ભારત બંધની અસર નહિવત રહી હતી.

Related Articles

Back to top button