રાજપીપળામાં પાણીની સમસ્યા મુદ્દે રાજપીપળા નગરપાલિકા કચેરી ખાતે માટલા ફોડી વિરોધ કરાયો

નર્મદા જિલ્લામાં એકમાત્ર નગરપાલિકા આવેલી છે. નગરપાલિકા વિસ્તારમાં વારંવાર પાણીની સમસ્યા અને રોડ રસ્તા બાબતે રહીશો રજૂઆત કરવા માટે પહોંચતા હોય છે પણ તેમની રજૂઆતો જાણે કોઈ સાંભળતું જ ના હોય તેમ રહીશો આક્રોશ ઠાલવી રહ્યા છે.
રાજપીપળા શહેરમાં આવેલ વાલ્મિકી સમાજના કેટલાક રહીશો પોતાના વિસ્તારમાં પાણી ન આવવાની સમસ્યા લઈને પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. મહિલાઓએ મુખ્ય અધિકારીના ચેમ્બરની બહાર માટલા ફોડ્યા હતા અને આપવીતી સંભળાવી હતી.
વાલ્મિકી સમાજની મહિલા સંગીતા સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા વાલ્મિકી વાસમાં બિલકુલ પાણી મળતું નથી. અમે નગરપાલિકાનું બધું કામ કરીએ છીએ, સફાઈ કરીએ, છીએ ઢગલા ભરીએ છીએ, હાથ ખરાબ થઈ જાય છે. પુરુષોના આખા શરીર ખરાબ થઈ જાય છે. અમે 500 વાર રજૂઆત કરી અમારું કોઈ સાંભળતું નથી.
વાલ્મીકિ સમાજના રહીશ પ્રવીણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે આ બાબતની ધારાસભ્યોને પણ રજૂઆત કરી છે. પાલિકાના પ્રમુખને પણ રજૂઆત કરી છે. પાલિકાના ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી છે. અમારા તમામ સભ્યોને પણ લેખિતમાં રજૂઆત કરી છે. નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ પણ છે અને કરજણ ડેમ પણ છે. છતાં પણ અમારા વિસ્તારમાં અમને પાણી મળતું નથી. તંત્રને અમે રજૂઆત કરી છે પણ એ લોકો અમારી રજૂઆતને સ્વીકારતા નથી. પાલિકાના ભાજપના વોર્ડ નંબર પાંચના સભ્ય પ્રજ્ઞેશ માલી અમારી સાથે છે. બાકી બીજા સભ્યો જોવા પણ આવતા નથી એવા અનેક ગંભીર આક્ષેપ કર્યા છે.
વધુ જ્યારે સ્થાનિક ધારાસભ્યો, મુખ્ય અધિકારી અને પાલિકાને પ્રમુખને પણ રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો નિરાકરણ ન આવતાં હવે આ પાણીથી વંચિત રહેલા રહીશો કોને રજૂઆત કરે તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે.




