હે, પ્રભુ…આ તો શું લીલા છે! ઉમરપાડામાં દીકરાનો જન્મ થયો, પણ પિતા જોઇ ન શક્યા
ગર્ભવતી પત્ની માટે લોહી લઈ પરત ફરતાં પતિનું માર્ગ અકસ્માતમાંં મોત

ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામે રહેતા ઈશ્વરભાઈ ગુલાબભાઈ વસાવા (32) નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. ઈશ્વરભાઈની પત્ની ગર્ભવતી હોય તેમને માંડવી ખાતે દાખલ કરાઇ હતી. તેમની પત્નીને લોહીની જરૂર ઊભી થતાં ઈશ્વરભાઈ લોહી લેવા માટે બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે આવ્યા હતાં. જ્યાંથી લોહી લઈ પરત માંડવી ફરી રહ્યા હતાં ત્યારે બારડોલી કડોદ રોડ પર પણદા ગામની સીમમાંથી પસાર થતાં હતાં ત્યારે એક પિકઅપના ચાલકે તેમની મોટરસાઈકલને અડફેટમાં લીધી હતી. જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં ઈશ્વરભાઈ અને તેમની મોટરસાઈકલ પર સવાર અન્ય યુવાન રોડ પર પટકાતા હતાં.
અકસ્માતમાં ઈશ્વરભાઈને ગંભીર ઈજા થતાં તેમને પ્રથમ સારવાર માટે બારડોલી અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલમાં લઈ ગયા હતાં. જ્યાં તેમની સારવાર દરમિયાન સોમવારની મધ્યરાત્રીએ મોત નીપજ્યું હતું. ઈશ્વરભાઈના મોતના સમાચારથી પરિવારની પગ તળેની જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય હતી. પોલીસને જાણ કરતાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દીકરાનો જન્મ થયો, પણ પિતા જોઇ ન શક્યા
ઈશ્વરભાઈની પત્નીને પ્રસુતી માટે દાખલ કરી હોય અને અકસ્માતમાં મોતને ભેટનાર ઈશ્વરભાઈના ઘરે છોકરાનો જન્મ થયો છે. પરંતુ ઈશ્વરભાઈ છોકરાનું મો જોય તે પહેલા જ દમ તોડી દીધો હતો. અકસ્માતમાં જાણ થતાં ગામમાં પણ શોકનો માહોલ છવાયો હતો.




