નર્મદા

હેપ્પી ટીચર્સ ડે: નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોને દેશી બોલીમાં શિક્ષણ આપવા ખાસ મોડ્યુલ તૈયાર

31 શિક્ષકોએ 3 હજાર શબ્દોનું દેહવાલી-આંબુડી બોલીમાં મોડ્યુલ તૈયાર કર્યું

ચાલો બતાવો જોઈ કે સેપ્ટી, ચીડે, નીંડા, ફોકડી, હિયાલો એટલે શું ? આ શબ્દો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાવ અજાણ્યા હશે, પણ જો તમે નર્મદા જિલ્લાના સાગબારા કે ડેડિયાપાડા તાલુકાના વિસ્તારોમાં જાઓ તો સરળતાથી સાંભળવા મળશે. દેહવાલી અને આંબુડી બોલીના શબ્દો તમે સ્થાનિક આદિવાસીના મોઢે સાંભળો તો મધમીઠા લાગ્યા વિના રહે નહીં. મજાની વાત તો એ છે કે, આ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓ માટે ખાસ એક મોડ્યુલ બનાવી જિલ્લાની સ્થાનિક બોલીમાં શિક્ષણ આપવામાં આવે છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રસપ્રદ મોડ્યુલ વિશે જાણીએ એ પહેલાં ઉપર આપેલા શબ્દોના અર્થ તમને કહી દઈએ. સેપ્ટી એટલે પૂંછડી, ચીડે એટલે પક્ષી, નીંડા એટલે કપાળ, ફોકડી એટલે હરણ અને હિયાલો એટલે શિયાળો !

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવે ત્યારે એવું બનતું હોય છે કે, એક જિલ્લાના ઉમેદવારને અન્ય જિલ્લામાં શિક્ષક તરીકે નોકરી મળતી હોય છે. આવા સંજોગોમાં શિક્ષણ કામ તો ગુજરાતી અથવા તો જે તે વિષયની ભાષા આધારિત થતુ હોય છે. પરંતુ, બાળક અને શિક્ષક વચ્ચે સંવાદ તો સ્થાનિક બોલીમાં જ થવાનો છે.

નર્મદા જિલ્લામાં મુખ્યત્વે ચાર બોલીઓ આદિવાસીઓમાં પ્રચલિત છે. નાંદોદમાં કાઠાલી-વસાવી, ગરૂડેશ્વર અને તિલકવાડામાં ધાનકી, દેડિયાપાડામાં આંબુડી અને સાગબારામાં દેહવાલી બોલી બોલવામાં આવે છે. જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકી દેડિયાપાડા અને સાગબારામાં તો સ્થાનિકો દૈનિક વ્યવહાર આંબુડી અને દેહવાલી બોલીમાં જ કરે છે. આથી બંને તાલુકામાં આવેલી કુલ–321 પ્રાથમિક શાળામાં ધોરણ–1 અને 2ના બાળકો સાથે આ બંને બોલીમાં જ શૈક્ષણિક સંવાદ સાધવામાં આવે છે. આ માટે ત્રણ હજાર કરતા પણ વધુ શબ્દોનું મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે.

બંને તાલુકાની દેહવાલી અને આંબુડી બોલીના જાણકાર એવા 31 શિક્ષકો દ્વારા આ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બાળક સાથે સામાન્ય વાતચીત કેવી રીતે કરવીથી લઈને ગુજરાતી, અંગ્રેજી, ગણિતના શબ્દો-અંકને આંબુડી-દેહવાલી બોલીમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. જેમ કે, રોદીહ નિશાલુમ આવજા એટલે કે દરરોજ શાળાએ આવજો, હોવારૂ આવ- જલદી આવો, આજ કેટો ઊંગ્યાઅ વોગુર આલોહ ? – આજે કોણ ન્હાયા વગર આવ્યું છે?

સાગબારા તાલુકાના બોરડીફળી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક મહેશભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, અમે શાળાના બાળકોને અમારી આદિવાસી ભાષામાં શિક્ષણ આપીએ છે. કોઈ સૂચના કે કોઈ જાણકારી આપવાની હોઈ તો અમારી ભાષામા આપીએ છે. અહીંયા 100 ટકા આદિવાસી વિદ્યાર્થીઓ છે. હું ખુદ અંગ્રેજી ભાષા ભણાવું છું. બાળકોને સમજ પડે માટે પોઇમ પણ ગાઈને એનું અનુવાદ કરી વસાવા ભાષામાં સમજાવું છું. આ મોડ્યુલમાં વ્યવહારિક વાતચિત, પ્રાર્થના સંબંધિત સુચનાઓ, ભોજન અને આરોગ્ય સંબંધિત સૂચનાઓ, રમત-ગમતના મેદાન સંબંધિત સૂચનાઓ, વાલી સાથેની વાતચીત, વર્ગખંડ સંબંધિત સૂચનાઓ પણ આંબુડી-દેહવાલી બોલીમાં અનુવાદિત કરવામાં આવી છે.

ઘોડો- કોળો, બકરી-બોકળી, બળદ-ડોગરો(બોલ્દો), દીપડો-પાટાલો વાગ્નો, ખિસકોલી- બૂટી, ધારા-અનુમાન કરો, થાળી-ઠાલો જેવા શબ્દો ઉપરાંત અંકોને પણ અનુવાદિત કરી આ મોડ્યુલમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોષાક, સગા-સંબંધીઓ, વાહન વ્યવહાર, ખેતી પાક-ખોરાક, રીત રિવાજો-તહેવારો, દૈનિક ક્રિયાઓ, ગીત, ઉખાણાં, જોડકણા, વાર્તા, રમતો, વર્ગખંડની સર્જનાત્મક પ્રવૃત્તિઓને પણ આંબુડી-દેહવાલી બોલીમાં આવરી લેવામાં આવી છે. આંબુડી અને દેહવાલી બોલી બહુજ મળતી આવે છે, છતાં ઘણાં શબ્દોમાં ફેર છે. ઓષ્ટીય, તાલવ્યની માત્રામાં ગુજરાતી કરતા ફેર પડે છે. નવા શિક્ષકો નર્મદા જિલ્લામાં આવે ત્યારે તેમને સરળતા રહે તે માટે તાલીમ આપવામાં આવે છે. આ વખતે દેડિયાપાડા તાલુકાના 160 જેટલા શિક્ષકોને આંબુડી બોલી અને સાગબારા તાલુકાના 82 જેટલા શિક્ષકોને દેહવાલી બોલીની તાલીમ આપવામાં આવી છે.

Related Articles

Back to top button