મઢી સુગર પાસેથી કેનલની બાજુના રોડ ખાડાને લીધે વાહનો નહેરમાં ખાબકવાની ભીતિ

બારડોલી તાલુકાના મઢી સુરાલીમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવેને મઢી- સુરાલી ગામની સીમમાં ભૂસાવલ રેલવે લાઈન ક્રોસ કરે છે. તેના પર આવેલ ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જે કામ સંદર્ભે હાલ ફાટકને બંધ કરવામાં આવી છે અને આ માર્ગ પરના ટ્રાફિકને મઢી સુગર પાસેથી કેનલની બાજુના રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે જે કડોદ મઢી રોડ વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો છે. આ માર્ગ સાંકળો છે તેમજ આ માર્ગ પર મોટા પ્રમાણમાં વાહનોની અવરજવરથી રહેતી હોય છે. આ માર્ગ પર ખાડા પડેલ છે, પરંતુ તંત્ર દ્વારા પુરવાની દરકાર લેતા ન હતાં.
હાલ પડેલા મુશળધાર વરસાદને કારણે ખાડાઓ મોટા અને ઉંડા થઈ ગયા છે. જેના કારણે વાહનાચલકોએ ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. ખાડાને કારણે વાહન ખોટકાવવાના બનાવો પણ બની રહ્યાં છે. આ ઉપરાંત નાના વાહનચાલકો અકસ્માતને ભેટી રહ્યાં છે. ખાડા બચાવવા જાય તો નહેરમાં ખાબકવાની પણ શક્યતા રહેલી છે. માટે આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગત દિવસોમાં જર્જરિત માર્ગનેકારણે એક ટેમ્પો નહેરમાં ખાબકતા બચ્યો હતો. ફરી આવી મોટી હોનરત થાય તે પહેલા માર્ગના ખાડા પુરી સુરક્ષિત બનાવે તે જરૂરી છે. ગામના જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ ડાયવર્ઝનને કારણે વાહન ચાલકોની 10 મિનિટ તો વધારે જાય જ છે અને આ ખાડાઓને કારણે વધારાની 20 મિનિટ જાય છે એટલે કે વાહનચાલકો મુસાફરોનો સમય શક્તિ અને ઇંધણનો ધુમાડો થાય છે. સ્થાનિક નેતાગીરી દ્વારા આ બાબતની રજૂઆત થઈ છે પરંતુ અધિકારીઓ ધ્યાન પર લેતા નથી.




