ડાંગ

સાપુતારામાં ચોરીના કેસોમાં વધુ એક કેસનો ઉમેરો, આ વખતે બાઇકની ઉઠાંતરી થઈ.

વારંવાર બનાવો બનતા હોવાથી પ્રવાસીઓ અને સ્થાનિકોનો પોલીસ તંત્ર ઉપર આક્રોશ

સાપુતારા નોટીફાઇડ એરીયા કચેરીની નજીક 22 વર્ષીય યુવકે પોતાની બાઇક પાર્ક કરી હતી. ચોર ઈસમે તે બાઇકની ચોરી કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોરબંદરમાં રહેતા 22 વર્ષીય જોન એનથોની ક્રિસ્ટીન કોઈ કામ અર્થે સાપુતારા નોટીફાઇડ એરીયા કચેરીની બાજુમાં બાઇક (નં. GJ-05-KV-9023) પર સવાર થઈને આવ્યા હતા. બાદમાં તેઓ સ્ટોલ ઉપર કામ કરતા રાજભાઈ સાથે નવાગામ (સાપુતારા)માં સ્ટોલનાં ગોડાઉન પરથી સામાન લેવા માટે ગયેલા અને ત્યાંથી પરત આવી બાઇક મેળાનાં ગેટ પાસે પાર્ક કરી હતી.

બાદમાં જોનનાં પિતા એન્થોની જોસેફ તે બાઇક લઈને થોડીવાર માટે ગયા હતા અને પરત આવીને બાઇક ત્યાં પાર્ક કરી હતી. જોકે પછીથી તે બાઇક ત્યાં મળી આવી ન હતી તેમજ આસપાસના વિસ્તારમાં બાઇક (રૂ. 40 હજાર)ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેમ છતાં બાઇક મળી આવી ન હતી. બાઇક ચોરી થઈ ગઇ હોવાનું જણાઈ આવ્યું હતું,જે બાદ બાઇક ચોરીને લઈને સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સાપુતારા પોલીસની ટીમે બાઇક ચોરી અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે મોડી સાંજ સુધી બાઇકનો કોઇ પત્તા લાગ્યો નથી.

Related Articles

Back to top button