માંડવી સ્થિત ધી માંડવી એજયુકેશન સોયાયટી ટેકનિકલ કેમ્પસ ખાતે સ્ટડી સેન્ટર અને સેમિનાર હોલનું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરાયું
ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ રૂ. 44.95 લાખનો ખર્ચ

માંડવી સ્થિત ધી માંડવી એજયુકેશન સોયાયટી ટેકનિકલ કેમ્પસ ખાતે ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ રૂ. 44.95 લાખના ખર્ચે નવનિર્મિત સ્ટડી સેન્ટર અને સેમિનાર હોલનું સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સ્ટડી સેન્ટર પુસ્તકાલય, વાઈફાઈ, એસી, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાથી સજ્જ છે, તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી લેટેસ્ટ પુસ્તકોનો ખજાનો છે. ઉપરાંત, વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના ઓનલાઈન કોર્સ પણ અહીંથી કરી શકશે. આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનઘડતરનું માધ્યમ છે. વિદ્યાર્થીઓએ ઉત્તમ કારકિર્દી માટે શિક્ષણને અગ્રીમતા આપવી જોઈએ. રાજ્ય સરકારની શિક્ષણને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના બાળકોની સુવિધામાં વધારો થાય તેવા લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે.
શાળામાં નિર્મિત સ્ટડી સેન્ટર માટે સંસ્થાને અભિનંદન આપતા મંત્રીએ બાળકો અને યુવા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઘરઆંગણે વાંચનની સુવિધા મળશે. શાળા તેમજ ઘરઆંગણે આ સ્ટડી સેન્ટરનો લાભ લઈ ઉચ્ચ શિક્ષણ કે અન્ય પરીક્ષાઓની તૈયારી કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી પરિવાર સાથે ગામ, શહેર કે રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકશે.




