કેવડિયામાં ખેડૂતનો 5 કલાક સુધીનો હાઇ વોલ્ટેજ ડ્રામા
જમીનના બદલામાં વળતરની માંગની અરજી કરી હોવા છતાં 5 વર્ષથી તંત્ર કોઇ જવાબ આપતું નથી અને અધિકારીઓ ધકકા ખવડાવી રહયાં છે જેના કારણે નિરાકરણ નહિ આવે તો ટાવર પર જ ફંદો બનાવીને આપઘાત કરી લેવાની ધમકી

કેવડિયામાં શનિવારે સવારે એક ખેડૂતનો હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ગામમાં આવેલાં 100 ફૂટ જેટલા ઉંચા મોબાઇલ ફોનના ટાવર પર ગણપત તડવી નામનો ખેડૂત ચઢી ગયો હતો અને જમીનના વળતરના મામલે તંત્ર પર આક્ષેપો કરી આપઘાતની ચીમકી આપી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ દોડી ગયા હતાં અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ટાવર પર ચઢેલા ખેડૂત કઇ અઘટિત પગલું ન ભરે તે માટે તંત્રમાં દોડધામ મચી હતી. ફાયર વિભાગના જવાનો સ્થળ પર આવી ગયાં હતાં.
સ્થાનિક આગેવાન રણજીત તડવી સાથે તેણે ફોન પર વાતચીત કરી હતી અને જમીનના બદલામાં વળતરની માગની અરજી કરી હોવા છતાં 5 વર્ષથી તંત્ર કોઇ જવાબ આપતું નથી અને અધિકારીઓ ધકકા ખવડાવી રહયાં છે જેના કારણે જો બપોરે 2 વાગ્યા સુધીમાં કોઇ નિરાકરણ નહિ આવે તો ટાવર પર જ ફંદો બનાવીને આપઘાત કરી લેશે તેવી તેણે ચીમકી આપતાં તેને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ સહિતના પદાધિકારીઓ પણ ત્યાં આવી ગયા હતાં અને તેમણે પણ સમજાવટના પ્રયાસો આદર્યા હતાં. 5 કલાક સુધી ટાવર પર ચઢી હોબાળો મચાવ્યાં બાદ આખરે ગણપત તડવી જાતે જ નીચે ઉતરી આવતા તંત્રએ હાશકારો લીધો હતો.
ગણપત તડવી તો મને હરખો ન્યાય નથી આપતાં, પ્રાંત સાહેબ જવાબ નથી આપતાં વહિવટ પાસે જવાનું કહે તો તેની પાસે પાસે જઇએ તો વહિવટદાર કહે છે કે અમે શુ કરીએ તમને, તો મને આવી છેતરપિંડી કેમ કરી એ લોકોએ? ( એ લોકો આવે જ છે તમે નીચે આવતા રહો) મને જમીન ફાળવી આપી તે જમીન પણ મારા નામે ના કરી આપી એટલે મે જમીન મારે નથી જોઇતી એમ કહીં મે ફાઇલ રિપીટ કરી તો એ ફાઇલનો મને કોઇ સીધો જવાબ નથી આપતાં, આજે પાંચ વર્ષ થઇ ગયાં તો મેં કરૂ શું થાંભલો ના ચઢું તો કરું શું મે? ( સારૂ પણ હવે સાહેબ આવે છે નીચે પણ તમારે વાત કરવા માટે નીચે બોલાવે છે. બધા સાહેબોને બોલાવ્યો છે. ) ના મે આવવાનો જ નથી, જ્યા સુધી ચૈતર સાહેબ ના આવે અને મને ન્યાય ન અપાવે ત્યાં સુધી હું નીચે આવવાનો જ નથી. મે બે વાયગાથી આ ટાવર પર ચઢેલો છું બે વાગતા સુધીમાં મે ફાંસો ખાવાનો છું ( હા પણ અમે તો છે અમે સાહેબને આવે એટલે વાત કરીએ , તુ બીજી વાત ના કર, ફાંસોબાસો ના ખાવાનો હોય આપડે સાહેબ આવે એટલે ફોન કરીએ અમે તને ) ભાસ્કરભાઇ જોડે જ વાત કરાવો ને મને આજે તાત્કાલીક આનો ન્યાય જોઇએ ( બસ અમે તારી વાત કરાવીએ છીએ તુ ટેન્શન ના લે, ગરાસિયા સાહેબને નથી લાગતું હવે બીજા સાહેબને બોલાવીએ, બીજા એસઇ સાહેબ આવે છે એવું કે, પ્રાંતથી મોટા સાહેબ આવે છે, એડિશનલ કલેક્ટર આવે છે.) ( ખેડૂત ગણપત તડવી અને સ્થાનિકો વચ્ચેનો ટેલિફોનિક સંવાદ ) આખો વિવાદ શું છે ? ગણપત તડવીની ખેતીલાયક જમીન સરકારે સંપાદિત કરી હતી તેના બદલામાં તેને વળતર ચુકવી દેવાયું હતું અને બીજી 28 એકર જેટલી જમીન નાંદોદ તાલુકામાં સરકારે ફાળવી હતી. પારિવારિક વિખવાદના કારણે તેને 28 એકર જમીનના બદલામાં રોકડ રકમ આપવાની માગ સાથે સંલગ્ન વિભાગમાં અરજી કરી હતી. તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લવાશે ખેડૂતનો જમીન સંપાદન અને વળતરને લગતો પ્રશ્ન હતો. સ્થાનિક કક્ષાએ તેના જેટલા પ્રશ્નોનો સાત દિવસમાં ઉકેલ લાવવા માટે અધિકારીઓને સૂચના આપી છે. સરકાર કક્ષાના તેમના જે પ્રશ્નો છે તે બાબતે હું સરકારમાં રજૂઆત કરીશ. > ડૉ. દર્શના દેશમુખ, ધારાસભ્ય, નાંદોદ




