માંડવી સુગર શરૂ થયાના બીજા જ વર્ષે વર્કિંગ કેપિટલના ફાંફા

માંડવી સુગર હરાજી બાદ ખાનગી ધોરણે શરૂ થવા થઈ રહી છે. વર્ષ 1994માં રજિસ્ટ્રેશન બાદ 2015માં શરૂ થયેલી આ મિલમાં રાજ્ય સરકારે 20.56 કરોડ સહાય પેટે આપ્યા હતા અને 55,000 સભાસદના 25 કરોડના ફાળા સાથે શરૂ થયેલી રાજ્યની અત્યાધુનિક મશીનરી ધરાવતી એક માત્ર મિલ 2017માં જ બંધ થઈ ગઈ હતી.
મિલ બંધ થતાં બેંકે કરેલી હરાજીમાં 200 કરોડની વેલ્યુવાળી જમીન અને મશીનરી સહિતની 36.5 કરોડની હરાજીમાં ખાનગી હાથોમાં ચાલી ગઈ છે. આ હરાજીમાં ફડચાની વેલ્યુ પણ નહીં જળવાતાં મિલ બચાવ સમિતિએ હાઈકોર્ટનું શરણું લીધું છે, જ્યારે બીજી તરફ મહારાષ્ટ્રના જુન્નાર સુગરે મિલ હસ્તગત કર્યા બાદ શેરડી રોપાણ અને પિલાણ માટે પણ તૈયારી શરૂ કરી દીધી છે. જેથી સહકારી ક્ષેત્રમાં ખાનગીકરણનો પ્રવેશ થતાં સહાકારી ક્ષેત્રમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. વર્કિંગ કેપિટલ લોન સહિત કુલ 105 કરોડ રૂપિયાની લોનના હપ્તા ભરપાઈ નહીં થતાં બેંકે અમદાવાદ સ્થિત ડેબિટ રેવન્યુ ટ્રિબ્યુનલમાં કેસ કર્યો હતો, જે હાલ પણ વિચારાધિન છે. ત્યાર બાદ 2019માં સરફેસી એક્ટ હેઠળ કલેકટરમાં કેસ દાખલ કરી એક જ વર્ષમાં મિલનો કબજો બેંકને સોંપી દેવાનો આદેશ કરાયો હતો.
‘હરાજીમાં જમીનનો બોજો પણ ધ્યાને નહીં લેવાયો’
મિલ બચાવ સમિતિના ગુડ્ડુ શર્માએ જણાવ્યું કે, સરકારે 20 કરોડની સહાય આપી હોય બેંકની જમીનમાં બોજો પડાયો છે. છતાં હરાજીમાં તેને ધ્યાનમાં નહીં લેવાયું. એક બ્લોક વડોદ 4-બીની જમીન સરફેસીમાં નહીં અપાઈ હોવા છતાં તેની પણ હરાજી થઈ ગઈ છે. સમિતિએ કોર્ટમાં પડકા્યું છે.
‘રાજ્ય ખાંડ નિયામકની નિષ્ક્રિયતાનું પરિણામ’
ખેડૂત અગ્રણી જયેશ પટેલ (દેલાડ)એ આ કેસમાં જણાવ્યું હતું કે, દેશમાં ફક્ત ગુજરાતમાં ખાંડ ઉદ્યોગ સહકારી ક્ષેત્ર પાસે છે અને સહકારી ક્ષેત્રને કારણે જ ખેડૂતો સમૃદ્ધ થઈ શકયા છે ત્યારે રાજ્ય ખાંડ નિયામકની નિષ્ક્રિયતાને કારણે ખાનગી ક્ષેત્ર પ્રવેશી રહ્યું છે અને તેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે.




