ઉમરપાડાનાં સુતખડકા ગામે 9 વર્ષીય બાળકીને સાપે ડંખ મારતાં મોત

ઉમરપાડાનાં સુતખડકા ગામે 09 વર્ષીય બાળકીને સાપે ડંખ મારી દેતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજી ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરપાડા પોલીસની હદમાં આવેલ સુતખડકા ગામે રહેતી 09 વર્ષીય દિશાકુમારી રાકેશભાઇ વસાવા સવારનાં 7.30 વાગ્યાનાં સુમારે તેની માતા નીતાબેન સાથે ઘરની પાછળ આવેલ તેમનાં ખેતરમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. જે દરમ્યાન ખેતરનાં શેઢા પાસે દિશાકુમારીને ઝેરી સાપે પગમાં ડંખ મારી દેવાનાં પગલે જે બેભાન અવસ્થામાં નીચે પડી ગઈ હતી. જોકે ત્યાર બાદ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડતા ત્યાં ફરજ પરનાં ડોક્ટરોએ ટૂંકી સારવાર બાદ દિશાકુમારીને મૃત ઘોષિત કરી હતી.
હાલ ઉમરપાડા પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં ચોમાસાની ઋતુમાં એકાએક સાપ ડંખની બનાવોમાં વધારો થયો છે. જેને લઇને લોકોમાં ચિંતાઓ જોવા મળી રહી છે.
ઉમરપાડા તાલુકા વન વિભાગના અધિકારી અનિલ પટેલએ જણાવ્યું હતું કે, ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં ઝેરી, બિન ઝેરી સાપો રહે છે. ઝેરી સાપોની વાત કરીએ તો ખડચીતરો, નાગ, ખુરસો અને કાળોતરો નાગ આ વિસ્તારમાં છે. સમયસર સારવાર મળે તો દર્દીઓનો બચાવ થઈ શકે છે.




