માંડવીના ગ્રામ સેવકે પત્ની સાથેના અણબનાવને કારણે કેવડી ઘાટના પાણીમાં ઝંપલાવ્યું

માંડવી ખાતે ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય પ્રશાંત ચૌધરીએ કેવડી ખાતે આવેલા મિની ઘાટના પાણીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. યુવાને આ પગલું તેની પત્ની સાથે ચાલી રહેલાં અણબનાવને કારણે ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
માંડવી ખાતે છેલ્લા પાંચ વર્ષથી ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા પ્રશાંતભાઈ મનહરભાઇ ચૌધરી (ઉ. વ.33, મૂળ રહે. કેવડી બજાર ફળિયું. રણછોડ મંદિરની બાજુમાં) પોતાની સ્કોર્પિયો કાર (નં. જીજે-19- એએ-9102) લઇને વતન કેવડી ખાતે ઘરેથી નીકળ્યા હતા. જે બાદ મોડે સુધી તેઓ પરત નહીં ફરતા તેમના પિતાએ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે હરકતમાં આવેલી પોલીસે ઉમરપાડા જંગલ વિસ્તાર સહિત તપાસ કરતા અંતે કેવડી અને માંડવી વચ્ચે આવેલા મિની ઘાટના કિનારેથી પ્રશાંત ચૌધરીની ચપ્પલ, મોબાઈલ ફોન અને ગાડીની ચાવી મળી આવી હતી. તેમજ તેનાંથી 500 મીટર દૂર સ્કોર્પિયો કાર પણ મળી આવતા કંઇક અજુગતું થયાની આશંકા વધી હતી. આખરે ઉમરપાડા પોલીસે તરવૈયાઓની મદદ લઇ મિની ઘાટના પાણીમાં તપાસ કરાવતા ભારે જહેમતના અંતે પ્રશાંત ચૌધરીની લાશ મળી આવી હતી. ડૂબી જવાથી જ તેનું મોત નિપજ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રો અનુસાર મરનાર પ્રશાંત ચૌધરીની પત્ની હિરલબેન સુરત ખાતે બગાયત અધિકારી તરીકે ફરજ બજાવે છે. છેલ્લા 20 દિવસથી હિરલ વચ્ચે અણબનાવ થતા પ્રશાંત ચૌધરી 15 દિવસની હક રજા ઉપર ઊતરી ગયા હતા. દરમિયાન સોમવારે માનસિક તણાવમાં રહી હતાશામાં આવી તેણે અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાના પગલે મૃતકના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.




