નર્મદાના રાજપીપળા પોલીસ મથકમાં કોંગ્રેસ આગેવાનોએ એકત્રિત થઈ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવા આવેદન આપ્યું

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત એનડીએના સાથી પક્ષોના નેતાઓ દ્વારા દાદી ઇન્દિરા ગાંધીની જેમ હાલત કરવાની ધમકી તેમજ આતંકવાદી તરીકે વર્ણવવાની ભાજપા સહિત એનડીએના સાથી પક્ષોની પ્રવૃત્તિ સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે અને સમગ્ર દેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીઓ કરનારા ભાજપા સહિત એનડીએના નેતાઓ વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવાનું અભિયાન ચાલુ કર્યું છે. જે અંતર્ગત આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકમાં કોંગ્રેસ આગેવાનોએ એકત્રિત થઈ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવા આવેદન આપ્યું હતું.
નર્મદા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલ પટેલ ફરિયાદી બની લેખિત ફરિયાદ પોલીસ મથકમાં રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે, બીજેપી નેતા તરવિન્દર સિંહ મારવાહે 11 સપ્ટેમ્બર 2024ના રોજ, ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી આજા, નહીં તો આને વાલે ટાઈમ મેં તેરા ભી વહી હાલ હોગા જો તેરી દાદી કા હુઆ’ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જેમ હત્યા કરવાની ચીમકી આપી હતી. સંજય ગાયકવાડ, ધારાસભ્ય, શિંદે સેના (મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી) 16 સપ્ટેમ્બર 2024ના રોજ જાહેરમાં 11 લાખ રૂ.ના ઈનામની જાહેરાત કરી. જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ ઈનામ આપીશની ધમકી આપી હતી.
રેલવે રાજ્ય મંત્રી રવનીત બિહુએ 15 સપ્ટેમ્બર 2024ના રોજ, મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ‘દેશનો નંબર વન આતંકવાદી’ કહ્યો. બિહુએ હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ્ય સાથે રાહુલ ગાંધી વિરુદ્ધ જાહેરમાં નફરત અને આક્રોશ ભડકાવવા માટે જાણી જોઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનોના ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. એ જ રીતે, 16 સપ્ટેમ્બર 2024ના રોજ ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ જાહેરમાં કહ્યું કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી ‘ભારતના નંબર વન આતંકવાદી છે. તેવું નિવેદન આપ્યું હતું.
ભાજપના વિવિધ નેતાઓ અને તેના સાથી પક્ષો દ્વારા જારી કરાયેલા નિવેદનો, ધમકી, રાહુલ ગાંધીની હત્યા અને શારીરિક ઈજા અને દેશના વિપક્ષના નેતાને આતંકવાદી ગણાવતા, ભાજપ/એનડીએ ગઠબંધન ભાગીદારો દ્વારા વ્યક્તિગત દ્વેષ દર્શાવતું હોય, ગાંધી સામે આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટીપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રમખાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવા વગેરેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તેમ કૉંગ્રેસ પાર્ટી દ્વારા જણાવાયું છે. આ લોકો દ્વારા જે બેફામ વાણી વિલાસ કર્યું તે રાજપીપળા પોલીસ મથકની હદ વિસ્તારમાં પણ સોશિયલ મીડિયા અને ટીવી તથા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ગુનાહિત કૃત્ય પ્રગટ થયેલ હોઈ આપના કાર્યક્ષેત્રમાં ગુન્હો બનેલ છે. ઉપરોક્ત નામવાળી વ્યક્તિઓ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ વહેલામાં વહેલી તકે BNSના 351, 352, 353, 61 હેઠળ FIR નોંધવાની કૉંગ્રેસ પાર્ટીએ માંગ કરી છે.




