નર્મદા જિલ્લા પુરવઠા વિભાગે બે નંબરી સરકારી અનાજ ભરેલો પિકઅપ ટેમ્પો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

નર્મદા જિલ્લામાં બે નંબરી સરકારી અનાજ લે વેચનો ધંધો ફૂલીફાલી રહ્યો છે. સાગબારામાં ઝડપાયેલ સરકારી અનાજના કૌભાંડના સુત્રધારો હજુ પોલીસ પકડ બહાર છે. ત્યારે વધુ એક બે નંબરી અનાજ ભરેલો ટેમ્પો પુરવઠા વિભાગે ઝડપી પાડતા સરકારી અનાજનો વેપલો કરનારા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
જિલ્લા પુરવઠા અધિકારી એન.એફ.વસાવા પાસેથી મળતી માહિતી મુજબ તેમને મળેલી બાતમીના આધારે તેઓ તથા પુરવઠા ઇન્સ્પેક્ટર બીજલબેન પટેલે માંડણ ગામ પાસેથી પીકઅપ ટેમ્પોને અટકાવી તેની તપાસ કરતા અંદર અનાજનો જથ્થો જોવા મળ્યો, પરંતુ વધુ શંકા ત્યારે ગઈ કે તેમાં આંગણવાડીમાં અપાતા ચણા દેખાયા બાદ આ સરકારી અનાજ હોવાનું જણાઇ આવતાં ટેમ્પો અને ટેમ્પોમાં જથ્થો લઈ જનાર બોરીદ્રા ગામના હિંમત જયંતી વસાવાને પકડી ટેમ્પોમાં ભરેલા જથ્થાની તપાસ કરતા જેમાં ઘઉં 38 કટ્ટા, ચોખા 23 કટ્ટા, બાજરી 6 કટ્ટા, તથા ચણા 3 કટ્ટા મળી કુલ રૂપિયા 64,535નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી અનાજ આદિવાસી વિસ્તારોમાં વધુ આવતા હોવાથી અને મફત અનાજ મળતું હોવાથી મોટા પાયે કાળાબજાર થાય છે અને સરકારી અનાજના કટ્ટા જાહેરમાં ઝડપાવા એટલું જ નહિ રાજપીપળાની અનેક દુકાનોમાં જો પુરવઠા વિભાગ ચેકીંગ કરે તો સરકારી અનાજના કટ્ટા તેમના ગોડાઉનમાં મળી આવે, દાળને કઠોળના ઉંચા ભાવમાં સરકારી દાળ ચણા રાજપીપળાની દુકાનોમાં વેંચતા હોવાની પણ ફરિયાદ અનેકવાર ઉઠી છે. ત્યારે પૂરવઠા વિભાગ સરપ્રાઈઝ ચેકીંગ કરે તો ગરીબોને મળનારું અનાજ દુકાનોમાં વેંચાય છે. બજાર કિંમતે આવા વેંચનારા દુકાનદારો પણ આગામી દિવસોમાં પુરવઠાની રડારમાં આવી શકે છે.




