ડોલવણ તાલુકામાં પબજી પર બનેલા મિત્રને મળવા સગીરા હરિયાણા પહોંચી

ડોલવણ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા ફોનમાં પબજી ગેમ રમતા રમતા હરિયાણાના એક કિશોર સાથે મિત્રતા કેળવી હતી. ત્યારે આ સગીર વયની દીકરી પોતાની માતાને સાથે લઈને ગેમિંગના માધ્યમથી મળેલ સગીરને લેવા માટે હરિયાણા ખાતે પહોંચી હતી, અને ત્યાંથી સગીરને લઈને વાલોડ તાલુકાના ગામમાં પહોંચી હતી.જોકે આ સમગ્ર મામલો વાલોડ પોલીસ મથકે પહોંચ્યો હતો.
ડોલવણ તાલુકાના એક ગામમાં રહેતી સગીર વયની દીકરી અને તેનો સગો સગીર ભાઈ મોબાઈલ ફોનમાં પબજી ગેમ રમતા હતા. આ બંને બાળકો ગેમના રવાડે ચડી ગયા હતા. ત્યારે આ સગીર વયની દીકરી ગેમ રમતા રમતા હરિયાણાના એક સગીર વયના સંપર્કમાં આવી હતી. જે બાદ આ સગીરા હરિયાણાના સગીર સાથે છેલ્લા સાત મહિનાથી સોશિયલ મીડિયાની મદદથી વાતચીત કરતી હતી. ત્યારબાદ દીકરીની જીદ સામે માતા હરિયાણાના સગીરને લેવા જવા માટે તૈયાર થઈ હતી. જો કે દીકરીના પિતા દ્વારા તેમને હરિયાળા જવા માટે ના કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ દીકરીના માતા પિતા વચ્ચે પણ લડાઈ ઝઘડો થયો હતો. જેથી માતા સગીર વયની દીકરી અને સગીર પુત્રને લઈ પોતાના પિયર વાલોડ તાલુકાના એક ગામ ખાતે જાઉં છું એમ કહી બંને સગીર બાળકોને લઈને નીકળી ગઈ હતી. જોકે આ સગીરાની માતા આ બંને બાળકોને લઈને વાલોડ તાલુકાના ગામથી હરિયાણા ખાતે સગીર દીકરાને લેવા માટે પહોંચી હતી. તે દરમિયાન ડોલવણ તાલુકાના ગામમાં રહેતા પિતા દ્વારા બંને બાળકો અને પત્નીનો સંપર્ક કરવા માટે પ્રયત્નો કર્યો હતો. જોકે પરિવાર દ્વારા કોઈ પણ સરખો જવાબ આપવામાં આવતો ન હતો. ત્યારબાદ આ બંને સગીરો અને તેની માતાનો મોબાઇલ ફોન પણ બંધ થઈ ગયો હતો. ત્યારે આ પિતાને ચિંતા થતા તેઓ વાલોડ પોલીસ મથકના શરણે પહોંચ્યા હતા. વાલોડ પોલીસે પિતાની અરજીના આધારે તપાસ કરતા મોબાઈલ ફોનનું લોકેશન હરિયાણા ખાતેથી મળી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે તેઓ હરિયાણાથી સગીરને લઈને વાલોડ આવે છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર બાબતની જાણ વાલોડ તાલુકાના ગામ ખાતે રહેતા સગીરના મામા તથા નાના – નાનીને હતી. તેમ છતાં તેમના દ્વારા સગીર દીકરીના પિતાને કોઈ નિવેદન કે કોઈ સરખી માહિતી આપવામાં આવી નહોતી.જોકે આ સમગ્ર મામલાને લઈને વાલોડ પોલીસ મથકે દીકરીના પિતા દ્વારા લેખિતમાં ફરિયાદ કરાઇ છે. સગીર બાળકીની જીદ સામે પતિ સાથે લડાઈ ઝઘડો કરી માતા પુત્રીને લઈ હરિયાણા સુધી પહોંચી જઈ ત્યાંથી સગીર બાળકને લઈ આવવાની ગંભીર ઘટનામાં માતાની એવી તો કેવી મજબૂરી હતી કે સગીર પુત્ર તથા પુત્રીની જીદ સામે હરિયાણા સુધી જવું પડ્યું.




