કડોદમાં પક્ષપલટો કરી ભાજપમાં આવેલા નેતા રાજકીય આગેવાનોના નામે રોફ ઝાડી ઉઘરાણું કરતાં હોવાથી લોકોમાં રોષ

બારડોલી તાલુકાના કડોદ મીયાવાડી ગામ ખાતે એક યુવા નેતા કોંગ્રેસમાંથી પલોટ મારી ભાજપમાં જોડાયા બાદ હાલમાં કડોદ વિસ્તારમાં સરકારી અધિકારી અને કર્મચારી ઉપર રાજકીય આગેવાનોના નામે રોફ ઝાડી ઉઘરાણું કરતાં હોવાની ચર્ચાને લઈ ભાજપમાં ભારે ચકચાર મચી છે.
શિષ્ટના નામે મોટી વાત કરતી ભાજપમાં હાલ કેટલાક નેતાઓને લઈ હાલ પક્ષ બદનામ થઈ રહ્યો છે અને ખાસ કરીને સુરત જિલ્લામાં આંતરીક વિખવાદ ચરમસીમાએ છે ત્યારે હવે ગામડે ગામડે નેતા થઈને ફરતાં કેટલાક અગ્રણી નેતાઓને લઈ પાયાના કાર્યકરોમાં ખાસી નારાજગી જોવા મળે છે. ખાસ કરીને કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓને વધુ પડતું માન મળતું હોય. પાયાના કાર્યકરો નારાજ જોવા મળી રહ્યાં છે.
હાલમાં કડોદ મીંયાવાડી ગામમાં એક યુવા નેતાને લઈ ખાસી એવી ચર્ચા ચાલી રહી છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા હતાં તે સમયે ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાને ભાડવામાં કોઈ કચાસ રાખતા ન હતાં. હાલ પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા બાદ પ્રદેશના નેતાઓ અને સ્થાનિક જિલ્લા કક્ષાને નેતાને નામે કડોદ પંથકમાં હાહાકાર મચાવ્યો છે. પોતે રાજકીય નેતાના નજીકના હોવાનું જણાવી કડોદના સરકારી અધિકારી, કર્મચારી કે બેંક શાખામાં જઈ ધમકાવી પોતાનું ધાર્યું કરાવવા માટે છેક છેલ્લી હદ પાર કરી રહ્યાં છે.
કહેવાય છે કે દારૂથી લઈ રોકડી પણ કરી રહ્યાં છે. જેને લઈ પક્ષની છબી ખરડાઈ રહી છે. સહકારી અને શૈક્ષણિક સંસ્થામાં તેમનો ચંચુપાત વધી ગયો છે. અલગ અલગ જગ્યાએથી આરટીઆઈની મદદ લઈ રીતસરની હેરાનગતિ થઈ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.




