નિઝરમાં આવેલ ગ્રુપ ગ્રામ પંચાયત ભીલજાંબોલીના બે સભ્યની ખાલી જગ્યા અંગે મામલતદારને રજૂઆત

તાપીના નિઝર તાલુકામાં આવેલ ગ્રુપ ગ્રામ પંચાયત ભીલજાંબોલીના વોર્ડ નંબર-5 તેમજ વોર્ડ નંબર-6ના સભ્યોની જગ્યા ઘણા સમયથી ખાલી પડેલ છે. જે ગ્રુપ ગ્રામ પંચાયત ભીલજાંબોલી ગામમાં બંને વોર્ડની ખાલી પડેલ જગ્યા બાબતે ગત ગુરુવારના રોજ ગામના જ રહેવાસી અમરસિંગભાઈ તેમજ કિરણભાઈ દ્વારા નિઝર મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજુઆત કરવામાં આવેલ છે.
નિઝર મામલતદાર કચેરી ખાતે કરેલ રજુઆતમાં જણાવ્યા મુજબ વર્ષ 2021/2022 યોજાયેલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ગ્રુપ ગ્રામ પંચાયત ભીલજાંબોલીના વોર્ડ નંબર-5ના સભ્ય તરીકે રમેશભાઈ ચામુભાઈ વળવી અને વોર્ડ નંબર-6 ના સભ્ય તરીકે દુર્ગાદાસભાઈ વિશ્વાસભાઈની વરણી થઇ હતી. પરંતુ વોર્ડ નંબર-6ના સભ્ય દ્વારા રાજીનામુ આપી દીધું હતું. તેમજ વોર્ડ નંબર-5ના સભ્ય મરણ ગયેલ છે.
આ બંને વોર્ડમાં સભ્યોની ખાલી પડેલ જગ્યા માટે આજ સુધી આ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ચૂંટણી કરવામાં આવેલ નથી. જેથી બંને વોર્ડના સભ્યોની જગ્યા ખાલી પડેલ છે. ઘણો સમય પસાર થઇ જવા છતાં ગ્રુપ ગ્રામ પંચાયત ભીલજાંબોલી ગામના વોર્ડ નંબર – 5 અને વોર્ડ નંબર – 6 ની ખાલી પડેલ સભ્યોની જગ્યા માટે પંચાયતની ચૂંટણી ક્યા કારણોસર કરવામાં આવેલ નથી. તેમજ સભ્યોની ખાલી પડેલ જગ્યા કેટલા દિવસ કે મહિનામાં ભરવાની થાય છે. તે અંગે જવાબદાર તંત્ર પાસે લેખિતમાં માંગ કરવામાં આવી છે.




