ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા માંડવી સુગરના થયેલા વેચાણમાં કથિત ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆત

માંડવી તાલુકાની સુગર ફેક્ટરીને ખાનગી કંપનીને વેચાણ કરવા તથા વેચાણમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા આવેદનપત્ર આપી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆતો કરી હતી.
ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા સુપ્રત કરેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે માંડવી તાલુકામાં આવેલ સુગર મીલની યુનિયન બેંક દ્વારા હરાજી કરવામાં આવતા સુગર મીલની જમીન, મશીનરી, બિલ્ડીંગ સાથે મહારાષ્ટ્રની જુન્નર સુગર લિમિટેડ દ્વારા ખરીદી લેવામાં આવતા સહકારી ક્ષેત્રમાં ખાનગી કંપનીનો પગ પેસારો થયો છે. જે ખેડૂતો માટે સમગ્ર સહકારી ક્ષેત્ર માટે એક ગંભીર પ્રશ્ન ઉભો થયેલ છે યુનિયન બેન્ક દ્વારા સુગર મીલની સંપત્તિની હરાજીમાં મોટી ગેરરિતી થયાની ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે ફેક્ટરીની શરૂઆત થવાની હતી ત્યારે એની સંપત્તિની વેલ્યુએશન કિંમત 250 કરોડ આંકવામાં આવી હતી.
જે હાલ 200 કરોડ માનવામાં આવે છે. તેમ છતાં હરાજી કરવામાં આવતા માત્ર 36 કરોડમાં મિલની તમામ સંપત્તિ ખાનગી કંપનીને આપી દેવામાં આવેલ છે. એટલે એમાં સ્પષ્ટપણે મોટો ભ્રષ્ટાચાર થવાનું જણાય આવે છે તથા બેંકના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ રહેલ છે. સુગરની મિલકતમાં 100 વિઘા જમીનનો પણ સમાવેશ થાય છે જેના હરાજીમાં માત્ર 22 કરોડ છે જે સ્પષ્ટપણે દેખાય આવે છે કે આ જમીન પણ ખાનગી કંપનીને સસ્તા ભાવે આપી દેવાઇ છે.
માંડવી સુગર આદિવાસી વિસ્તારમાં આવેલી છે જેના 5500 સભાસદો છે જેમાં સૌથી વધુ આદિવાસી જ સભાસદો છે. આ મિલ સહકારી ધોરણે સ્થાપવામાં આવેલ હોવાથી એનો કોઈ એક માલિક નથી હોતો પણ તમામ સભાસદો એના માલિક હોય ત્યારે સભાસદો સાથે આ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી નથી કે કોઈપણ પ્રકારની જાણ પણ કરવામાં આવી નથી. બેંક દ્વારા બારોબાર હરાજી કરીને સભાસદો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેથી સભાસદોમાં ભારે આક્રોશ વ્યાપી રહ્યો છે. માંડવી સુગર કાચી પડી ત્યારે ખેડૂતોના 27 કરોડ સરકારના 20 કરોડનો શેરફાળો મજૂરો અને ટ્રક માલિકોના પાંચ કરોડ બાકી હતા. જમીન પર સરકારનો બોજો હોવા છતાં જમીન વેચી દીધી છે.




