માંડવી

સુરત જિલ્લા સહિત રાજ્યભરમાં બીજી ઓક્ટોબરથી સ્ટોન ક્વોરી ઉદ્યોગ સરકારની નીતિઓ સામે આંદોલનના મૂડમાં

ગુજરાતમાં ચાલતા તમામ પ્રોજેક્ટો ખોરંભે પડવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. સરકારની નીતિ મુજબ એન્વાયરમેન્ટ સર્ટિફાઇડ માઈનિંગ પ્લાન ન હોવાથી સ્ટોન ક્વોરી બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હાલ 60 ટકા સ્ટોન ક્વોરીઓ સરકારે બંધ કરી છે. જો કે હજુ 20 ટકા સ્ટોન ક્વોરીઓ બંધ કરવાની સરકારની ચીમકી આપવામાં આવી છે. જ્યારે ગુજરાતની 80 ટકા સ્ટોન ક્વોરીઓ બંધ થવાની દહેશતથી ગુજરાત સ્ટોન કવોરી એસોસિએસન હરકતમાં આવ્યું છે.

સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં તમામ વિકાસના કામો ખોરંભે ચઢે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. રાજ્યના સ્ટોન ક્વોરી ઉદ્યોગ આવનારા દિવસોમાં સરકાર સામે આંદોલનમાં ઉતરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જેને સુરત જિલ્લા ક્વોરી એસોસિએશન પણ સમર્થન જાહેર કર્યું છે. ક્વોરી ઉદ્યોગ જો આંદોલનમાં ઉતરે તો સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે તથા ગુજરાતના તમામ બાંધકામો અને ચોમાસા બાદ બિસ્માર થયેલા રસ્તાઓના નવીનિકરણ કરવાના કામો પર વિપરિત અસર થઈ શકે છે. સરકારની નીતિઓ સામે ગુજરાત સ્ટોન ક્વોરી એસોસિયેશન દ્વારા ટૂંક સમયમાં આંદોલન શરૂ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

જે અંતર્ગત એસોસિએસન દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે આગામી 28 સપ્ટેમ્બરના રોજ એસોસિએસનની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ક્વોરી એસોસિયેશન રાજ્યની તમામ સ્ટોન ક્વોરીઓ હડતાળ પર ઉતરે તેવી શક્યતા દર્શાવી છે. ત્યારે સુરત જિલ્લા ક્વોરી એસોસિએશનના પ્રમુખ મનસુખભાઈ ભાલાળાએ આ અંગે જણાવ્યું હતુ કે, સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં ક્વોરી ઉદ્યોગનાં પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતુ નથી એટલે ન છૂટકે એસોસિએશન હડતાળનાં માર્ગે જઈ રહ્યું છે.

સુરત જિલ્લા ક્વોરી એસોસિએશનના ઉપપ્રમુખ રજનીભાઈએ જણાવ્યું હતું કે, સામી દિવાળીએ બુલેટ ટ્રેન, મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે, મેટ્રો ટ્રેન અને ખાનગી બાંધકામો તેમજ રોડ રસ્તાઓના સમારકામના કામોને પણ અસર થશે. ત્યારે સરકારને પણ રોયલ્ટી અને GST રૂપી આવકનું નુકશાન થઈ શકે તેમ છે તેમજ સુરત જિલ્લામાં ચાલતા ક્વોરી ઉદ્યોગમાં હજારો શ્રમજીવીઓ, ટ્રક માલિકો, ચાલકો જોડાયેલા છે તેઓના રોજગારને પણ સીધી અસર થશે.

Related Articles

Back to top button