નેત્રંગમાં રોગચાળાના વાવર વચ્ચે મામલતદાર કચેરીની અંદર ગંદકી

નેત્રંગમાં પાણીજન્ય રોગના કારણે લોકો બિમાર પડી રહ્યાં છે. ત્યારે મામલતદાર કચેરી ખાતે પીવાના પાણી વ્યવસ્થાની આસપાસ જ ગંદકી જોવા મળી રહી છે. તેમજ સાફ-સફાઇના નામે કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી તેવું જોવા મળ્યું હતું. મામલતદાર કચેરીમાં સવારથી જ 100થી વધુ લોકો ઇ-કેવાયસી માટે ઉમટી પડે છે. ત્યારે ગંદકીના કારણે તેઓ રોગચાળામાં સપડાય તેવી દહેશત વ્યક્ત કરાઇ રહી છે.
જિલ્લામાં હાલ સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે નેત્રંગ મામલતદાર કચેરીમાં ગંદકી જોવા મળી હતી. ઇ-કેવાયસી કામગીરી માટે વહેલી સવારથી જ 100 થી વધુ લોકો આવતા હોય છે. તેમજ સાથે નાના બાળકો પણ આવે છે. ત્યારે કચેરીમાં પાણીની સુવિધા કરવામાં આવી છે. ત્યાં જ ગંદકી જોવા મળી રહી છે.
જ્યાં પાણી ભરાઈ રહેતા જીવાત પણ જોવા મળી રહી છે. ત્યારે કામગીરી માટે આવતા લોકોને ગંદકી નો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ત્યાં આવેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, પીવાના પાણીનું મશીન મૂકેલું છે. ત્યાં પાણી ભરાઈ રહે છે. તેમાં જીવાત જોવા મળી છે. ત્યારે તપાસ કરતાં ખરેખર જીવાત જોવા મળી હતી. ત્યારે એક કર્મચારીએ જણાવ્યું હતું કે, આ પાણીનું મશીન બંધ છે. પણ નળ ચાલુ કરતાં પાણી આવતું હતું. અને ત્યાં કોઈપણ પ્રકારનું સૂચન લગાવવામાં આવ્યું નથી. ત્યારે સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી ગયાં છે.



