ભરૂચ જિલ્લાના ઝઘડિયાના કરાર ગામ નજીક ધોળે દિવસે લૂંટ

ઝઘડિયાના કરાર ગામ નજીકથી કામ પર જઈ રહેલા બાઇક સવારને અજાણ્યા ઈસમોએ આંતરી ગળા પર ચપ્પુ મૂકી તેની પાસેની સોની ચેન અને અંગૂઠીની લૂંટ ચાલવી ભાગી ગયા હતાં.આ મામલે બાઈક સવાર ઈસમે ઝઘડિયા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ દોડતી થઈ હતી.
બે લૂંટારુઓએ બાઈક સવારને આંતર્યો હતો
ભરૂચ જિલ્લાના પાણેથા ગામના રહીશ અને હાલ રાજપારડીમાં રહેતા કલ્પેશ જગદીશભાઇ પટેલ ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે.તેઓ આજ રોજ રાબેતા મુજબ પોતાની મોટરસાયકલ લઇને રાજપારડી થી કરાર થઇને નોકરીએ જવા નીકળ્યા હતા,તેઓ કરાર નજીકથી પસાર થતા હતા તે દરમિયાન ગરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઇને ઉભેલા બે ઇસમોએ બાઈકનું સ્ટીયરિંગ પકડી લેતા કલ્પેશ પટેલએ બાઇક ઉભી કરી દીધી હતી.ત્યારબાદ અજાણ્યા હિન્દી ભાષી ઈસમોએ કલ્પેશના ગળા પર છરો મૂકી દેતા તેઓ ગભરાઈ ગયા હતા.
બંને લૂંટારુઓએ લૂંગી પહેરીને હિન્દી બોલતા હતા
જેથી તેમણે લૂંટારુઓ કહ્યું હતું કે,મને મારશો નહિ પણ મારા પાસે જે હોય તે બધું તમે લઈ લો હું આપી દઈશ,ત્યાર બાદ લૂંટારુઓએ તેમણે ગાળામાં પહેરેલી સોનાની ચેન અને બે વીંટીઓ લઇને નજીકના કાચા રસ્તે થઇને જતા રહ્યા હતા.ત્યાર બાદ લૂંટનો ભોગ બનેલા કલપેશ પટેલે તાત્કાલિક ઝઘડિયા પોલીસ મથકે પહોંચી ખબર આપતા પોલીસ પણ દોડતી થઈ હતી.આ મામલે કલ્પેશે પોલીસને જણાવ્યું હતું કે,બંને ઇસમો હિંદીમાં બોલતા હતા અને તેમણે ટીશર્ટ અને લુંગી પહેરેલી હતી.
પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલોએ સ્થળ પર દોડી લૂંટારુઓ અંગેની તપાસ શરૂ કરી હતી.કલ્પેશ પટેલની રૂ.1.47 લાખના મુદ્દામાલની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે ડીવાયએસપી ડો,કુશલ ઓઝાએ જણાવ્યું ઘટનાની જાણ થતાં જ LCB અને SOG સહિતની ટીમોએ અલગ અલગ ટીમો બનાવી લૂંટારુઓનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.




