સાગબારાના ખોચરપાડા ગામની શાળાની શિક્ષકાએ વાલીઓને ધમકાવતાં વાલીઓ દ્વારા તાળાબંધીની ચીમકી

સાગબારાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા અસભ્ય વર્તન કરી ધમકીઓ આપતાં હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે. ગામની શાળામાં ફરજ બજાવતાં દંપતિ મહેન્દ્ર વસાવા અને પ્રેમિલાબેને શાળામાંથી બદલી માટે ઓનલાઇન અરજી કરી હતી. આ બાબતની જાણ થતાં ગામલોકોએ દંપતિની બદલી રોકવા માટે પ્રયાસો શરૂ કરી દીધાં હતાં. ગામલોકોએ જણાવ્યું હતું કે, દંપતિ લગનથી બાળકોને ભણાવીને તેમની કાળજી રાખી રહયાં છે. તેથી બાળકોને આશ્રમ શાળામાં મુકવાના બદલે આ શાળામાં અભ્યાસ કરાવી રહયાં છે.
ગામ લોકો શાળામાં હાજર દંપતિને બદલી માટે અરજી કેમ કરી તે પૂછવા માટે ગયા હતાં. આ સમયે મદદનીશ શિક્ષિકા નયનાબેને શાળાના મેદાનમાં વાલીઓ હાજર હતાં તે સમયે તેણે મને તમે બોલવાવાળા કોણ કહીને વાલીઓ સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. તમે મને ઓળખતા નથી હું કોણ છું હું જેઠાલાલની છોકરી છું અને મારા બનેવી ભાજપમાં છે તેમ કહી વાલીઓને ધમકાવવા લાગ્યાં હતાં. શિક્ષિકાના અસભ્ય વર્તન સામે વાલીઓએ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરતાં 10 થી 15 દિવસમાં કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. જો સરકાર યોગ્ય કાર્યવાહી નહિ કરે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે.




