ભરૂચના ઝાડેશ્વર પંચાયતમાં જાણકારી અપાઇ ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો

ભરૂચમાં ગાંધી જયંતીએ તાલુકા-ગ્રામ્ય કક્ષાએ ગ્રામસભાઓનું આયોજન કરાયું હતું. જોકે, ઝાડેશ્વર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા ગ્રામ સભાની કોઇ જાણકારી અપાઇ ન હોવાના આક્ષેપ સાથે કેટલાંક જાગૃત નાગરિકોએ ગ્રામ સભાનો વિરોધ કર્યો હતો.
જાગૃત નાગરિકોએ.ગ્રામસભાનો વિરોધ કર્યો હતો
2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે દરેક તાલુકા અને ગ્રામ્ય લેવલ પર ગ્રામસભાનું આયોજન કરાયુ હતું, પરંતુ ઝાડેશ્વર વિસ્તારમાં ગ્રામજનો સુધી પૂરતી માહિતી ન પહોંચવાના કારણે તથા અધિકારીઓની મનસ્વી વૃતિના કારણે સોસાયટી વિસ્તારના લોકો સુધી ગ્રામસભા વિશેની માહિતી પહોંચાડવામાં આવી ન હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. જેના ભાગરૂપે કેટલાંક જાગૃત નાગરિકો દ્વારા ગ્રામસભાનો આજ રોજ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આવનાર સમયમાં સ્થાનિકોના પ્રશ્નોને લઈ ગ્રામસભાનું આયોજન કરે તથા તેમાં ગ્રામજનોની પૂરતી સંખ્યા હોય તથા લોકોના જે કંઈ પ્રશ્નો હોય તેનો ઉકેલ આવે તેવી માંગ થઈ છે.
આગામી દિવસોમાં નવી તારીખ આપવાની માંગ
ઝાડેશ્વર વિસ્તારના તમામ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઇ તે દિશામાં કામગીરી થાય સાથે સાથે જો કોઈ જગ્યા પર ભ્રષ્ટાચારની જો બૂમ હોય તો તેની પણ તટસ્થ તપાસ થાય તેવી રજૂઆત સાથે આજની ગ્રામસભા રાખી હતી. આવનાર સમયમાં ફરીથી ગ્રામસભા થાય તે વિષયમાં આજ રોજ ઝાડેશ્વર ગામ પંચાયતમાં ઉપસ્થિત સર્કલ ઓફિસર મામલતદાર, ઝાડેશ્વર ગામ પંચાયત વહીવટદાર અને તલાટી ગ્રામસભાની નવી તારીખ આપે એવી માંગ કરી હતી.




