તાપી

સોનગઢ નજીક હાઇવે પર સોનારપાડા ગામ પાસે રીક્ષા પલટી જતાં ચાલકનું સારવાર દરમિયાન મોત

સોનગઢ નજીક હાઇવે પર સોનારપાડા ગામની સીમમાં એક રીક્ષા પલટી જતાં તેના નીચે દબાઈ જતા રીક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સોનગઢ તાલુકા ના સિલેટવેલ ગામ ખાતે રહેતાં યુસુફભાઈ રમેશભાઈ ગામીત (26) એ પોતાના વપરાશ માટે રીક્ષા નંબર GJ-19-U-6400 વસાવેલી હતી. તેમના લગ્ન સોનગઢના દેવલપાડા ગામે થયાં હતાં અને તેમનાં પત્ની પિયર ગયાં હોય તેઓ ત્રણ દિવસથી રીક્ષા લઈ દેવલપાડા ગામ ખાતે ગયાં હતાં. ગત દિવસે તેઓ પોતાના સાળા વિતેશ ગામીતને રિક્ષામાં બેસાડી ખરીદી માટે દેવલપાડાથી સોનગઢ આવેલાં હતાં. અહીં તેમને ઘણું મોડું થઈ ગયું હતું જેથી તેઓ રાત્રે 9.30 કલાકે પરત દેવલપાડા ગામે જવા નીકળ્યા હતાં.

આ વખતે યુસુફ ભાઈ ગામીતે ઘરે પહોંચવાની ઉતાવળમાં પૂરઝડપે રીક્ષા હંકારીને હાઇવે થઈ જતાં હતાં. રાત્રે 9.45 કલાકે બંને સાળા અને બનેવી સોનારપાડા ગામની હદમાં આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતાં હતાં ત્યારે યુસુફભાઈએ રીક્ષાના સ્ટિયરિંગ પર થી કાબુ ગુમાવતાં રીક્ષા પલટી ગઈ હતી અને તેની નીચે યુસુફ ભાઈ દબાઈ ગયા હતાં જ્યારે પાછળ બેસેલા વીનેશભાઈ ગામીત રીક્ષામાંથી ફેંકાઈ જતાં તેમને ઇજા થઇ હતી. આ અકસ્માત સર્જાતા આસપાસના લોકોએ દોડી આવી રીક્ષા નીચેથી યુસુફભાઈને બહાર કાઢી સારવાર અર્થે 108 માં સોનગઢ સરકારી દવાખાને ખસેડ્યા હતાં. તેમને શરીરે છાતીમાં અને અન્ય ભાગો એ ગંભીર ઇજા થઇ હતી અને તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માત સંદર્ભે અકસ્માતમાં મૃત્યુ પામનાર યુસુફભાઈ ગામીત સામે ગુનો દાખલ કરી સોનગઢ પોલીસે કાર્યવાહી પૂર્ણ કરી હતી.

Related Articles

Back to top button