ખાદીના ભાવમાં 30 ટકાના વધારો, ગત વર્ષ કરતાં વેચાણમાં રૂ. 1 લાખનો ઘટાડો

ગાંધી જયંતિ નિમિત્તે બારડોલીમાં ખાદીના વસ્ત્રો ખરીદવા માટે ખાદી શોખીનોની ભીડ જામતી હોય છે. જો કે આ વખતે મોંઘવારીની અસર ખાદીની ખરીદી પર જોવા મળી છે. ગત વર્ષ કરતા ખાદીના ભાવમાં 30 ટકા વધારો થતાં ખરીદી ઘટી છે.
બારડોલીના ધુલિયા ચાર રસ્તા ખાતે આવેલ સુરત જિલ્લા ખાદીગ્રામોદ્યોગ સહકારી સંઘમાં દર વર્ષે ગાંધી જયંતિના દિવસથી ખાદી પર વિશેષ વળતર અપવામાં આવે છે. ગુજરાતની ખાદી પર 25 ટકા અને પર પ્રાંતીય ખાદી પર 15 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આ ઓક્ટોબર મહિનામાં આપવામાં આવે છે. જેને કારણે ખાદી શોખીનો ખાદી ખરીદી માટે ઉમટી પડતા હોય છે. ગાંધી જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ખાદીની ખરીદી માટે ખાદી ગ્રામોદ્યોગ પર પહોંચ્યા હતા અને વળતરનો લાભ લીધો હતો.
જો કે મહત્વની બાબત એ છે કે, ચાલુ વર્ષે મોંઘવારીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ખાદીના ભાવમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. જેને કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે પ્રથમ દિવસે 15 લાખ રૂપિયાનું વેચાણ થયું હતું. જે ગતવર્ષ કરતા 1 લાખ ઓછું છે. ખાદીગ્રામોદ્યોગના મંત્રી હરેન્દ્રસિંહ વસવારીયાએ જણાવ્યું હતું કે ખાદીના ભાવમાં વધારો થતાં ગત વર્ષની સરખામણીએ ઓછું વેચાણ થયું છે. ખાદીના ભાવમાં વધારો થયો છે. જેની અસર વેચાણ પર પણ જોવા મળી રહી છે.




