નેત્રંગના મોવી ચોકડી પાસે સોલાર સ્ટ્રીટ લાઈટના બેટરી ચોરો ઝડપાયા

નેત્રંગના કુમશ ગ્રામ પંચાયતમાં મુકવામા આવેલા સોલાર સ્ટ્રીટ લાઇટની બેટરીઓ ચોરી કરી ભંગારમાં વેચાણ કરવા જતાં બે ઇસમોને નેત્રંગ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી ચોરીની બેટરીઓનો રૂ.53 હજારના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન ચેકિંગ દરમિયાન બંને પકડાઈ ગયા
ભરૂચ જિલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ નવરાત્રી તહેવાર અનુસંધાને તેમના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ તથા અલગ-અલગ જગ્યાએ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.જેના અનુસંધાને નેત્રંગ પોલીસ સ્ટાફનાં માણસોની અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરી વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતાં.આ સમયે નેત્રંગ થી મોવી તરફ જવાનાં રસ્તા ઉપર વેલકમ હોટલ પાસે વાહન ચેકિંગ દરમ્યાન મોવી તરફથી એક હીરો કંપની ગ્લેમોર મોટર સાયકલ આગળનાં ભાગે નંબર વગરની આવતાં તેને રોકી રોડની સાઇડમાં ઉભી રખાવી તપાસ કરતાં મોટર સાયકલ ચાલક- વિશાલ બાબુભાઇ વસાવા તથા તેની પાછળ બેસેલ ઇસમ મેહુલ સુરેશભાઇ વસાવાનું જણાવ્યું હતું.
બંને વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે
પોલીસે તેમની પાસે રહેલા બે અલગ-અલગ પ્લાસ્ટીકના કોથળામાં ખોલાવી તપાસ કરતા તેમા સોલાર સ્ટ્રીટ લાઇટની બે બેટરીઓ મળી આવી હતી.આ બેટરીઓ અંગેના દસ્તાવેજો તથા આધાર પુરાવા કે બીલ તથા પોતાની ઓળખ માટેના આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ તથા બીજા અન્ય પુરાવા માંગતા તેમની પાસે નહી હોવાનું જણાવ્યું હતું.જેથી બંનેની કડક પુછતાજ કરતા તેઓએ આ બેટરીન કુમશ ગામે ગ્રામ પંચાયત તરફથી મુકવામાં આવેલા સોલાર સ્ટ્રીટ લાઇટની બેટરીઓ ચોરી કરીને ભંગારમાં વેચાણ કરવા જતાં હોવાની હકીકત જણાવી હતી. પોલીસે તેમની પાસેથી બે નંગ બેટરી કિં.રૂ.8000, એક મોબાઈલ રૂ.10,000 અને મોટર સાયકલ કિ.રૂ. 35,000 મળીને કુલ 53,000 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




