તાપી

ઉચ્છલમાં 92 મહિલાઓ સાથે વિશ્વકર્મા પીએમ યોજના નામે 3,56,600 ઉઘરાવી ઠગાઈ થઈ

ઉચ્છલ તાલુકાના જુદા જુદા ગામડાંમાં રહેતી બહેનોને વિશ્વકર્મા પીએમ યોજના હેઠળ ચાર હજાર રૂપિયામાં બે સિલાઈ મશીન આપવાના વાયદો કરી 92 બહેનો પાસે 3,56,600 ઉઘરાવી ઠગાઈ કરનાર સોનગઢની મહિલા વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઉચ્છલના આનંદપુર ગામમાં રહેતાં સંગીતા નિલેશ ગામીત ને સાતમી જુલાઈ એ સોનગઢ દેવજીપૂરા રહેતી મેઘા બાલુ ગામીત મળી હતી.તેણે સંગીતા ને કહ્યું કે હું તમને વિશ્વકર્મા પીએમ યોજના હેઠળ ચાર હજાર રૂપિયામાં બે સિલાઈ મશીન અપાવીશ અને એ માટે તમારે મને લાભાર્થી દીઠ 4000 રૂપિયાની રકમ એડવાન્સ આપવી પડશે. જેથી સંગીતા બહેન એડવાન્સ આપવા તૈયાર થયા હતાં. એ પછી બારમી જુલાઈ એ મેઘા ને એક શાહરુખ નામના ઈસમ ને મોકલી સંગીતા પાસે તેમના અને અન્ય બહેનોના ઉઘરાવેલા રોકડા મંગાવી લીધાં હતાં. એ પછી મેઘા ને નજીકના ચંદાપુર ગામના પણ આઠ દસ મહિલા પાસે ચાર હજાર પ્રતિ વ્યક્તિ ઉઘરાવી લીધાં હતાં.

એકાદ મહિના પછી પણ મેઘા બહેને લાભાર્થીઓને મશીન ન આપતાં તેઓ અકળાયા હતાં અને તેનો સંપર્ક કરી સિલાઈ મશીન અંગે પૂછપરછ કરી હતી. આ વેળા મેઘાબહેને કહ્યું કે અન્ય તાલુકામાં સિલાઈ મશીન આવી ગયાં છે જેથી ત્યાં વિતરણ ચાલુ છે. ઉચ્છલ માં દસમી ઓગસ્ટ પછી મશીન મળશે.

જો કે દસ ઓગસ્ટ વીતી ગઈ હોવા છતાં મેઘા મશીન આપવા ગલ્લા તલ્લા જ કરતાં લાભાર્થી બહેનોને પોતે છેતરાયા હોવાનું ખબર પડ્યું હતું.એ પછી તેમણે આરોપી મહિલાનો સંપર્ક કરી રૂપિયા પરત માંગ્યા હતાં પણ તેણે ખોટું બોલી ને સમય પસાર કર્યો હતો. આખરે જુદા જુદા ગામમાં રહેતાં 92 બહેનો એ ભેગા થઈ ઉચ્છલ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આપવીતી જણાવી હતી. ઉચ્છલ પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા બહેનો પૈકીના આનંદપુર તા.ઉચ્છલના સંગીતા ગામીતની ફરિયાદ લઈ આરોપી મેઘા ગામીત રહે.દેવજીપૂરા સોનગઢ સામે સિલાઈ મશીન આપવાની લાલચ આપી બહેનો સાથે 3,56,600 ની ઠગાઈ કરતાવા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

ઉચ્છલ તાલુકાના આદિવાસી વિસ્તાર માં બહેનો પાસે ઠગાઈ કરનાર મહિલા એ બહેનો પાસે રૂપિયા ઉઘરાવતી વખતે જરૂર પડ્યે તમને પાંચ લાખની લોન પણ આપવામાં આવશે એવી લાલચ પણ આપી હતી.એ સાથે જ આરોપી મહિલાએ લાભાર્થી બહેનોને સિલાઈ મશીન આપ્યાં બાદ તાલીમ આપવાનું કહ્યું હતું અને અંતે તમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે એમ કહી તમને સ્કોલરશીપ પણ અપાશે એવું કહી બહેનોનો વિશ્વાસ કેળવી રૂપિયા ઉઘરાવી લીધાં હતાં. જરૂર પડ્યે તમને રૂપિયા પાંચ લાખની લોન પણ અપાશે એવી લાલચ પણ આપી.

Related Articles

Back to top button