નિઝરના બોરદા ગ્રામ પંચાયતના સરપંચે સગાને આવાસ યોજનાનો લાભ આપ્યાના આક્ષેપ

તાપીના નિઝર તાલુકામાં આવેલ બોરદા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને ટી. એસ. પી. આવાસ યોજનાનો લાભ પોતાના સગા સંબંધીઓને આપાવીને સત્તાનો દૂર ઉપયોગ કર્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે ગામના જ જાગૃત યુવાનો દ્વારા ગત રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે.
મળતી માહિતી મુજબ બોરદા ગ્રામ પંચાયતના સરપંચ કુંવરસિંગભાઈ વળવીએ સત્તાનો દૂર ઉપયોગ કરી ગામમાં પોતાના જ સગા ને પી.એમ. આવાસ યોજના તેમજ ટી. એસ. પી. આવાસ યોજનાનો લાભ આપવામાં આવેલ છે. જેથી આ ગામમાં આવાસ યોજનામાં લાભ મળવા પાત્ર હોય એવા લાભાર્થીઓને યોજનાનો લાભ મળતો નથી. યુવાનો દ્વારા વધુમાં જણાવ્યું હતું. કે, એક રેશનકાર્ડ પર એક જ આવાસ અપાય છે. તેમ છતાં બોરદા પંચાયત દ્વારા એક રેશનકાર્ડ પર બે અથવા ત્રણ મંજુર કરાયા છે. જેના લીધે ખરેખર ગામમાં જે ગરીબ પરિવારને આવાસ ની જરૂર છે. તેવા ગરીબ કુટુંબ પરિવાર પી. એમ. આવાસ યોજના અથવા ટી. એસ. પી. આવાસ યોજનાથી વંચિત રહી જતા હોય છે. પાકા મકાનો ધરાવતા કુટુંબ પરિવારને વારંવાર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે.જયારે કાચા મકાનો ધરાવતા ગરીબ કુટુંબ પરિવારને આવાસ યોજનાના લાભથી વંચિત રાખવામાં આવે છે. ગામમાં ઘણી એવી વિધવા મહિલાઓ છે. જેઓ કાચા ઝુંપડા કે, કાચા મકાનમાં રહી જીવન નિર્વાહ કરવા મજબુર બની છે. ગામમાં એકજ રેશનકાર્ડ અને એક જ પરિવારમાં ટ્રિપલ આવાસ યોજનાની કેવી રીતે મંજૂર કરવામાં આવ્યા છે. તે સવાલ ઉભો થઇ રહ્યો છે. આ ગામમાં પી. એમ.આવાસ યોજના તેમજ ટી. એસ. આવાસ યોજનામાં થયેલ ગેરરીતિ અંગે તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે નિઝર તાલુકા પંચાયત કચેરી ખાતે ગામના યુવાનો દ્વારા લેખિતમાં રજુઆત કરી છે. આ બાબતે નિઝર તાલુકા વિકાસ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું. કે, આવાસ યોજના બાબતે અરજી મળેલ છે. જે અંગે તપાસ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.




