Demolition for highway: નેત્રંગમાં તંત્રના ડિમોલિશન બાદ 80 વેપારીઓના ઘરોમાં ચૂલા સળગવા મુશ્કેલ

નેત્રંગમાં શનિવારના રોજ ચાર રસ્તા વિસ્તારમાં સૌથી મોટુ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. બે હાઇવેની આસપાસ ઉભા કરી દેવાયેલાં લારી-ગલ્લાઓના દબાણો દૂર કરી દેવાયાં છે. ઓપરેશન ડિમોલેશનના ત્રણ દિવસ બાદ જયારે સ્થળની મુલાકાત લેવામાં આવી ત્યારે રૂંવાડા ઉભા કરી દે તેવી હકીકત સામે આવી છે.
દબાણો હટી જવાથી હાઇવે તો ખુલ્લો થઇ ગયો છે પણ લારીગલ્લા ચલાવી પેટિયું રળતા અનેક પરિવારોના ઘરોમાં ચુલો સળગવો મુશ્કેલ બની ગયો છે. 80 જેટલા ગરીબ પરિવારો 3 દિવસથી બેકાર બની ગયાં છે અને તેમની પાસે આવકનું કોઇ સાધન રહયું નથી. શાકભાજીના વેપારી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, નેત્રંગ ચોકડી ની આસપાસ 200 થી વધુ નાના લારી ગલ્લા આવેલા હતા. જે તહેવારોના સમયે જ દૂર કરવામાં આવતા અમારી રોજી રોટી છીનવાય છે. ત્યારે કેટલાક લોકો લારી લઈને ફરી ફરીને શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. બીજી તરફ અંદાજે 80 થી વધુ લોકો ત્રણ દિવસથી બેરોજગાર બેસી રહ્યા છે. અને તંત્ર કોઈ વૈકલ્પિક સુવિધા કરે તેની રાહ જોઈ બેઠા છે. હાલ નવરાત્રિ અને પછી દિવાળી આવી રહી છે. ત્યારે તંત્ર જલ્દી વૈકલ્પિક સુવિધા નહીં કરે તો આ તમામ લોકોના તહેવાર બગડશે તેવી ભીતિ સેવાઈ રહી છે. લારી ગલ્લા વાળા વૈકલ્પિક સુવિધા કરવાં માટે નેત્રંગ ગાર્ડન,ગ્રામ પંચાયતની પાસે આવેલ બંધ બસ ડેપો અને લાલ મટોડી ડેડીયાપાડા રોડ નજીક આ ત્રણમાંથી એક જગ્યાએ વ્યવસ્થા કરવા માટે માગ કરી રહયાં છે.



