deprived of benefits: નાંદોદના રામપુરામાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ સ્મશાનને જવાનો રસ્તો જ નહિ

સરકાર આઝાદીનો અમૃત કાળ પણ ઉજવ્યો અને હવે 23 વર્ષના વિકાસની ઉજવણીની તૈયારીઓ કરી રહી છે. ત્યારે હજુ પણ એવા ગામો છે જ્યાં સીમમાં જવાના રસ્તા નથી સ્મશાને જવાના રસ્તા નથી, અંતરિયાળ ગામડાઓમાં જવાના રસ્તા નથી એ ક્યારે બનાવશે એવો પ્રશ્ન નર્મદાના લોકો પૂછી રહ્યા છે અને રોષ વ્યક્ત કરી રહ્યા છે.
વાત કરીએ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરાથી પટણા જવાનો રસ્તો, પ્રતાપપુરા જવાનો રસ્તો જે સીમમાં થઈ સ્મશાનમાં જાય છે. આ રસ્તો આઝાદી કાળથી બન્યો જ નથી. 50 વર્ષ પહેલાં માટી મેટલ કામ કર્યું હશે. આ રસ્તો ગ્રામપંચાયતના ચોપડે તો બોલે છે પણ રસ્તો બનાવવામાં આવતો નથી. હાલ ચોમાસાના કારણે આ કાચા રસ્તા ઉપર 4 થી 5 ફૂટ ઘાસ ઉગી નીકળ્યું છે અને રસ્તો દેખાતો નથી. એટલે રામપુરા ગામમાં એક મરણ થતાં મૃતકની સ્મશાન યાત્રા લઈને પરિવારજનો અને ગ્રામજનો નીકળ્યા પણ નરસ્તા ના અભાવે એક ગામના યુવાનોની ટીમ કામે લાગી અને બે જણ હળ લાકડું લઈને બળદની જગ્યાએ જાતે પકડી ઊંચું ઘાસ આડું પાડતાં જાય છે. બીજી ટીમ ઘાસ કાપતી આગળ જાય અને પાછળ બીજા અન્ય લોકો મૃતકને લાવે છે. જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નેતાઓ અને અધિકારીઓ પર પણ ફિટકાર વરસાવી રહ્યા છે.
હરેશભાઈ વસાવા (રામપુરા ગામના આગેવાન) જણાવ્યું કે, અમારા ગામ રામપુરાથી પટણા જવાનો રસ્તો કે રામપુરાથી પ્રતાપપુરા જવાનો રસ્તો જે સ્મશાન તરફ પણ જાય છે. વર્ષોથી આ રસ્તાની માંગણી કરીએ છે. સરપંચ વોટ માંગવા આવે. ધારાસભ્ય અને પંચાયતના સભ્યો પણ વોટ લઈ પછી કોઈ ફરકતા નથી એટલે અમારા ગામના રસ્તાઓની આવી હાલત છે. તો આગામી દિવસોમાં હવે ચૂંટણીઓ આવે તો બતાવીશું કેવો વોટ મળે છે.
54 વર્ષ થયા આ રસ્તા પર એક કાંકરી નખાઇ નથી. અમે કેવી મુસીબતમાં સ્મશાને જઈએ છીએ અમારું મન જાણે છે. એટલે વહેલીતકે રસ્તો બનાવી આપો નહી તો એકપણ નેતાને ગામમાં પેસવા દઈશું નહિ.




