Annoying people: નર્મદાના ગામડાઓમાં રેશન નહિ મળતાં કાર્ડધારકોને હાલાકી

રાજય સરકાર સામે સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. દુકાન સંચાલકો પડતર માગણીઓના સંદર્ભમાં અસહકારની ચળવળ ચલાવી રહયાં હોવાથી રેશનકાર્ડ ધારકોને અનાજ મળતું બંધ થઇ ગયું છે. વહેલી તકે માગણીઓ પુરી કરવામાં આવે તેવી માગ સાથે રાજપીપળામાાં નર્મદા જિલ્લા ફેર પ્રાઈસ એસોસિએશનના હોદ્દેદારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
વિક્રમ મલાવીયા, નરેન્દ્રસિંહ સહિત હોદેદારોએ હાજર રહીને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારની વિનામુલ્યે અનાજ વિતરણની યોજનામાં સરકારના નિયમોના કારણે તેમને હાલાકી પડી રહી છે. દુકાનદારોએ ઓકટોબર મહિનાનું રેશન સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હોવાથી કાર્ડ ધારકો દુકાનોના ધકકા ખાઇ રહયાં છે. જિલ્લાના અંતરિયાળ ગામોમાં રહેતા અને મજૂરી કામ કરી રેશનકાર્ડ ના અનાજ પર જીવતા પરિવારો ની હાલત દયનીય બની છે. સરકાર આ મુદ્દે ઝડપી નિર્ણય લઈ કોઈ રસ્તો કાઢે એ જરૂરી છે. ત્રણ દિવસ પહેલા સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ જિલ્લા વ્યાપી આવેદનપત્રો આપ્યા હતા. જેમાં તેમણે જ્યા સુધી સરકાર માગણીઓ નહિ સ્વિકારે ત્યા સુધી અનાજનો જથ્થો લેવામાં નહી આવે તેવી જાહેરાત કરી હતી. તહેવારોના સમયમાંજ રેશન નહિ મળતા કાર્ડધારકોને મોંઘાભાવે અનાજ ખરીદવાની ફરજ પડી છે.




