વાંસદા મામલતદારે 13 હોટલોમાંથી ઘર વપરાશના 30 સિલિન્ડર સીઝ કર્યા

વાંસદા વિસ્તારમાં આવેલી હોટલો પર વાંસદા મામલતદારે ચેકિંગ હાથ ધરતા હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. વાંસદામાં હાલ અનેક નાની મોટી હોટલો કાર્યરત છે ત્યારે વાંસદા સાપુતારા પ્રવાસ અર્થે જતા સહેલાણીઓથી ધમધમતું હોય છે ત્યારે આ આવતા સહેલાણીઓના કારણે બિલાડીના ટોપની જેમ હોટલો ચાલુ થઈ ગઇ છે. આ હોટલોમાં ગંદકી અને રસોઈ બનાવવા ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરોની તપાસ કરાઇ હતી. જ્યારે વાંસદા વિસ્તારોમાં ચાલતી મોટાભાગની હોટલોમાં ગંદકીનું પ્રમાણ જોવા મળ્યું હતું. જ્યારે મોટા ભાગની હોટલોમાં ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના સિલિન્ડરનો ઉપયોગ કરાઇ રહ્યો હોવાની લોકબૂમ ઉઠી હતી. વાંસદા તાલુકાના વહીવટી તંત્રના કાને આ વાત જતા તરત એક્શન મોડમાં આવી ગયું હતું અને વાંસદાની 13 હોટલોમાં તપાસ હાથ ધરી હતી. જ્યારે 30 ઘરવપરાશના રાંધણગેસના સિલિન્ડર સીઝ કર્યા હતા. મોટાભાગની હોટલોમાં ગંદકી જોવા મળી હતી. વાંસદામાં વહીવટી તંત્રના ચેકિંગથી હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
ફરિયાદ મળતા 13 હોટલમાં તપાસ કરી વાંસદા પ્રાંત અધિકારીની સૂચનાથી વાંસદા વિસ્તારની 13 હોટલમાં તપાસ કરાઇ હતી.ખાસ કરી લોકોમાં અનેક ફરિયાદોને ધ્યાનમાં લઈ અલગ અલગ ટીમો બનાવી આ તપાસ કરાઇ હતી. જ્યારે કોમર્શિયલની જગ્યા પર ઘરવપરાશનો ગેસ સિલિન્ડર ઉપયોગ કરનારાઓના સિલિન્ડર સીઝ કર્યા છે. > અનિલ વસાવા, મામલતદાર, વાંસદા




