નર્મદા

રાજપીપળા નજીક કરજણ નદી ઉપર 11 કરોડના ખર્ચે બનેલા પુલમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક કરજણ નદી ઉપર આવેલ રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે 4 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. જોકે આ પુલ બન્યા પછી પુલનું લોકાર્પણ ન થતાં આમ જનતાએ લોકાર્પણ વગર જ અવરજવર શરૂ કરી દીધી હતી. આ પુલનું બાંધકામ તકલાદી હોવાનું ત્યારે ખબર પડી જયારે આ પુલ 2021 વર્ષે વચ્ચેથી બેસી ગયો અને પુલને બંધ કરવામાં આવ્યો ત્યારે પુલના તકલાદી કામની પોલ ખુલી છે. પુલમાં તિરાડો દેખાઈ અને વચ્ચેથી બેસી જવાથી. 10 ગામ સંપર્ક વિહોણા થયા છે. 11 કરોડના ખર્ચે બનેલા પુલ પહેલા 13 મહિના પણ ના ચાલ્યો હતો અને ફરી રીપેર કર્યા બાદ પણ સ્થિત જે હતી તે જ રહી છે. હાલ 4 વર્ષમાં 3 વાર પુલ તૂટ્યો છે.

25 જુલાઈ 2024ના રોજ તેના પર તિરાડો દેખાઈ હતી

માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સી.કે.સોનીએ જણાવ્યું હતું કે, આ પુલ 15 સપ્ટેમ્બર 2018માં બનાવવા મંજૂરી મળી હતી. જે 14 ઓગષ્ટ 2020 બનાવી દેવામાં આવ્યો હતો. આ પુલ 11 કરોડ 24 લાખ રૂપિયામાં બનાવવામાં આવ્યો હતો. હાલ આ પુલ પર અવર જવર બંધ કરવામાં આવી છે. કેમ કે 25 જુલાઈ 2024ના રોજ તેના પર તિરાડો દેખાઈ હતી. ત્યારે તેને તાત્કાલિક બંધ કરી ઉપર જાણ કરવામાં આવી હતી. જેની ટીમ આવી માહિતી લઈ ગઈ છે. રાજ્યમાં વરસાદ આવતાની સાથે જ રોડ-રસ્તાની કામગીરી અને તંત્રની પોલ છતી થઈ જાય છે. અનેક જગ્યાએ ભૂવા પડે છે તો, રોડ ધોવાઈ જાય છે અને પુલની હાલત બેહાલત થઈ જાય છે.

અગાઉ બે વખત પુલ બંધ કરવાની નૌબત આવી

આવી જ એક ઘટના નર્મદા જિલ્લામાં થઈ છે. 4 વર્ષ પહેલા રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ પુલને એક જ વર્ષમાં બંધ કરી દેવો પડ્યો હતો. ચાર વર્ષના ટૂંકા ગાળામાં ત્રણ વાર આ પૂલ વચ્ચેથી બેસી ગયો હતો. તેના પિલ્લરને પણ ગયા વર્ષે ભારે નુકસાન થયું હતું. જેને કારણે અગાઉ બે વખત બંધ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે આ પુલને બંધ કરી દેવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી. આ પુલ સુરતના રોયલ ઈન્ફ્રાસ્ટ્રક્રચર ઇન્જિયરિંગ કંપની આપવામાં આવ્યો છે. વારંવાર આ રીતનું ધોવાણ, તિરાડો પડવી, બેરિંગ બદવલી, જેવી ઘણી સમસ્યાઓ જોવા મળી છે. ત્યાર પછી થોડું સમારકામ કરીને ફરી પાછો આ પુલ ચાલુ કરવામાં આવ્યો હતો અને ફરી હાલ બંધ કરવાની ફરજ પડી છે.

400થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર અસર

ચોમાસામાં ભારે વરસાદે આ પુલના તકલાદી બાંધકામની ફરી એકવાર પોલ ખોલી નાખી છે. વારંવાર આ પુલના તકલાદી બાંધકામની તપાસની અને કોન્ટ્રાક્ટરો, એજન્સી સામે પગલાં લેવાની માગ થઈ હોવા છતાં આ પ્રકરણમાં ભીનું સંકેલાયું હોય તેમ કોઈ જ પગલા લેવાયા નથી. કોન્ટ્રાક્ટર પર મીઠી નજરના કારણે 10 ગામના લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જેનું લોકોમાં આશ્ચર્ય છે. તંત્રના કારણે આજે આમ જનતાને સહન કરવાનો વારો આવ્યો છે. આ પુલમાં ગાબડું પડતા રામગઢથી રાજપીપળા આવતા જતા 400થી 500 જેટલાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજમાં આવવા જવાની ભારે મુશ્કેલી પડી રહી છે. ભર ચોમાસે જ આઠથી દસ ગામના લોકોનો સંપર્ક તૂટી જતા હવે ગ્રામજનોને ફેરો ફરીને રાજપીપળા જવું પડે છે. જનતાનો સમય અને નાણાંનો પણ વ્યય થઈ રહ્યો છે.

ભારે વારસાદ થતાં મોટુ ગાબડું પડી ગયું

આજે પણ આ પુલ વચ્ચેથી વધારે બેસી ગયો છે. અગાઉ અહિયાં મોટી તિરાડો પડી ગઈ હતી અને 20 ફૂટના ગાબડાની ઊંડાણથી તપાસ કરતા આ માત્ર માટીથી જ પુરાણ કરેલું દેખાય છે. જેને કારણે આ રસ્તો તૂટી પડ્યો હતો. તેમાં સિમેન્ટ, રેતી કે કપચીનું કોન્ક્રિટ દેખાતું જ નથી. માત્ર માટી પુરાણ કરેલું દેખાયું હતું. આ માટીનું પુરાણ ભારે વારસાદથી ધોવાઈ જતા મોટુ ગાબડું પડી ગયું હતું અને હાલ ફરી તિરાડો પડી ગઈ છે ને વચ્ચેથી બેસી ગયો છે. એ જોતા કરોડોના ખર્ચે બનેલ આ પુલ તકલાદી અને ગુણવત્તા વિહોનો નબળા પુલનો ઉત્તમ નમૂનો સાબિત થયો છે.

4 વર્ષમાં ત્રણવાર પુલ તૂટતા અનેક સવાલો

આ જોખમી પુલ પ્રજાને લોકાર્પણ કેમ કરવામાં આવ્યો નહોતો તે હવે લોકોને સમજાય છે. ભ્રષ્ટાચારી એજન્સીઓ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોના પાપે આ બનેલો પુલ નિર્દોષ જનતાના અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય એમ લાગે છે. શા માટે આ પુલને તાકીદે રીપેર કરાતો નથી? અને શા માટે આ તકલાદી બાંધકામ કરનાર એજન્સી સામે પગલાં લેવાતા નથી? કોન્ટ્રાક્ટર સામે કાયદેસર પગલાં કેમ લેવાતા નથી? તંત્રના અધિકારીઓ ચૂપ કેમ છે? વિરોધપક્ષ મૌન કેમ છે?એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. વિકાસના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. આવા તકલાદી બાંધકામોમાં મોટા પાયે ખાઈકીને ભ્રષ્ટાચાર થતો હોવાને કારણે સરવાળે તો પ્રજાને સહન કરવાનો વારો આવે છે. આજે આ પુલ બંધ થવાથી અસંખ્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે તંત્ર સામે પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. રાજપીપળા રામગઢનો પુલ જનતા માટે શોભાના ગાંઠીયા સમાન અને શ્રાપ રૂપ પુરવાર થયો છે. આ પુલના તકલાદી બાંધકામ અંગેની ન્યાયી અને તટસ્થ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ એવી પ્રજાની માગ છે. આ પુલ પર થોડા સામે પહેલા જ યુવાન 20 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

172 મીટરની લંબાઈ ધરાવતો આ પુલ અંદાજે 11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. 4 વર્ષમાં જનતાના 11 કરોડ પુલ સાથે જાણો ધોવાઈ ગયા અને તિરાડો પડી ગઈ અને કોન્ટ્રાક્ટરે પોતાનું ઘર ભરી લીધું. જનતાની સમસ્યા ઘટવાના બદલે વધી છે.

Related Articles

Back to top button