માંગરોળ

માંગરોળમાં સગીરાને પીંખનાર આરોપીઓ પોલીસને જોઈને ભાગતા ફાયરિંગ; બેની ધરપકડ, એક ફરાર

માંગરોળમાં સગીરાને પીંખનાર પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી તેની શોધમાં હતા. ત્યારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં ત્રણેય આરોપીઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. જ્યાં અંધારાનો લાભ લઈને એક આરોપી નાસી ગયો હતો અને બે પોલીસના હાથે પકડાઈ ગયા છે. નવરાત્રિમાં દેવીસ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે?. આ સવાલ આજે દરેક ગુજરાતી પૂછી રહ્યો છે. બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના ગૃહ જિલ્લામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતાં ગુજરાતમાં આક્રોશ છે. માંગરોળના બોરસરા ગામે વડોદરા પેટર્નથી 3 નરાધમે પહેલા સગીરાના મિત્રને માર મારીને ભગાડી મૂક્યો, બાદમાં એક બાદ એક સગીરાને પીંખી નાખી હતી. આ નરાધમો દુષ્કર્મ બાદ પીડિતા અને તેના મિત્રનો મોબાઇલ પણ લઇ ગયા હતા.

દુષ્કર્મના 3 આરોપીઓ પૈકી 2 ઝડપાયા

દુષ્કર્મની ઘટના બાદ પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી લીધી હતી. જે બાદ સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ આરોપીઓની શોધમાં હતી. ત્યારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ હોવાની જાણ થતા પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ નાસવા જતાં હતા તે સમયે પોલીસે ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 આરોપીઓ પૈકી 2 નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે એક અંધારાનો લાભ લઈ ફરાર થયો છે. સુરત શહેર તથા સુરત ગ્રામ્યના સંયુક્ત ઓપરેશનમાં બે આરોપીઓની સગડ મેળવી બંને આરોપીઓને પકડવા જતા બંને આરોપીઓ ઝાડી ઝાંખરા વાળા વિસ્તારમાં ભાગવાની કોશિષ કરતા પોલીસ દ્વારા ફાયરિંગ કરી અને જરૂરી બળપ્રયોગ કરી બંનેને હસ્તગત કરવામાં આવેલા છે. પ્રાથમિક પુપરછ ક૨તા ત્રીજા આરોપીની પણ ઓળખ પ્રસ્થાપીત થયેલી છે તથા તેને પકડવા માટે સંયુક્ત ટીમથી સતત કોમ્બીંગ કરવામાં આવી રહ્યું છે.

પકડાયેલા આરોપી

  1. મુના કરબલી પાસવાન, (ઉં.વ.40, હાલ રહે. 14, પટેલ કોમ્પલેક્ષ, કરંજ GIDC રોડ, કીમ, માંગરોળ, સુરત)
  2. શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચોરસીયા (ઉં.વ.45, રહે. શિવશક્તિ કોમ્પલેક્ષ, લીમોદરા પાટીયા પાસે, કરંજ, માંડવી સુરત)

વડોદરા પેટર્નથી સગીરા પર દુષ્કર્મ

સામૂહિક દુષ્કર્મ મામલે માહિતી આપતાં સુરત ગ્રામ્ય પોલીસવડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવવારૂ જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે 3 શખસ અચાનક આવી તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યાંનીજાણ થતાં જ કોસંબાની પોલીસ ટીમ, સુરત ગ્રામ્ય Dy.SP, LCB, SOG, પેરોલ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ રેન્જ IG અને SPએ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેની માહિતી મેળવી હતી. આ બનાવની તપાસ માટે 10થી વધારે ટીમ કામે લાગી છે. પોલીસે સગીરા સાથે હાજર યુવકને ઘટનાસ્થળે લઈ જઈને જરૂરી પુરાવા એકત્ર કર્યા છે તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે.

પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાયું

આ ઘટના ખૂબ જ સંવેદનશીલ હતી, એટલે તમામ ટીમો મોડી રાત્રિથી જ કાર્યરત છે અને પોલીસ આ ઘટનામાં સઘન તપાસ કરી રહી છે. આ ઘટનામાં પીડિતા તેમજ તેના મિત્રને કોઈ ઈજા પહોંચી નથી, સામાન્ય બે-ત્રણ થપ્પડ મારી હોવાનું જાણવા મળ્યું છે. પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે તેમજ નવા જે કાયદા છે BNS અને BNSS પ્રમાણે આ ઘટનામાં પોલીસ ખૂબ જ સંવેદનશીલતાથી અને ખૂબ જ ઝડપથી આ ગુનો ઉકેલાય તેમજ આમાં સંડોવાયેલા ત્રણેય આરોપીને કડકમાં કડકમાં સજા થાય એ દિશામાં કાર્યવાહી કરી રહી છે.

પીડિતા અને તેના મિત્રનો મોબાઇલ પણ નરાધમો લઈ ગયા

કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા BNSની સેક્શન 70(2), 115(2), સેક્શન 54, સેક્શન 309(4) જેમાં લૂંટનો પણ સમાવેશ થાય છે, કારણ કે પીડિતા તેમજ તેના મિત્રના મોબાઈલ ફોન પણ આ 3 નરાધમો લઈ ગયા છે. 352, 351(3) આ તમામ BNSની કલમો તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોસંબા પોલીસ-ઈન્સપેક્ટર આ કેસમાં ઈન્વેસ્ટિગેશન ઓફિસર છે તેમજ અલાયદી ટીમની રચના કરવામાં આવી છે, જેમાં Dy.SP આર.આર. સરવૈયા, કામરેજ ડિવિઝનના LCB PI, SOG PI, પેરોલ PI, AHTU PIની એક ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે.

સગીરા કીમ તેના મિત્રને મળવા આવી હતી

પીડિતાના કહેવા પ્રમાણે, વારંવાર એક પછી એક ત્રણેય આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા જ્યાં અભ્યાસ કરતી હતી ત્યાંથી અહીં કીમ તેના મિત્રને મળવા આવી હતી અને રાત્રે 10:30 વાગ્યે અન્ય બે મિત્રો સાથે આઈસક્રીમ ખાઈને પેટ્રોલ પુરાવવાનું હોવાથી મોટા બોરસરાના રસ્તે હાઈવે પરના પેટ્રોલપંપ પર બંને જઈ રહ્યાં હતાં. એ દરમિયાન વચ્ચે રસ્તા પર ખેતરમાં તેઓ થોડો સમય બેઠાં હતાં. ત્યારે આ શખસોએ ત્યાં પહોંચી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસને શંકાસ્પદ બાઈક મળી છે

પોલીસ આ ઘટનામાં ગઈકાલે રાત્રિથી જ સઘન તપાસ કરી રહી છે. પોલીસને શંકાસ્પદ બાઈક મળી છે, એના આધારે 2 આરોપીની ઓળખ પણ કરી લીધી છે. આ 2 આરોપી પકડાઈ જવાથી ત્રીજા આરોપીની ઓળખ અને તેને પણ પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

ગામના યુવકોએ લગભગ 20-25 મિનિટમાં સગીરાને શોધી પોલીસને જાણ કરી

આ બનાવ જ્યારે બન્યો ત્યારે શરૂઆતમાં ત્રણેય આરોપીએ બળાત્કાર કરવાનો પ્રયાસ કરતાં મિત્ર સાથે સગીરાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેનો મિત્ર સફળ થયો છે અને સગીરા ત્યાં જ રહી જાય છે. મિત્રએ ત્યાંથી નજીકમાં રહેનારા માછીમારીને મળી તેમજ ગામલોકોને મળી ઘટનાની જાણ કરી હતી. ગામના યુવકોએ લગભગ 20-25 મિનિટમાં સગીરાને શોધી પોલીસને જાણ કરી હતી.

આ ખૂબ જ દુઃખદ અને સંવેદનશીલ ઘટના છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે તમામ પ્રકારની તપાસ કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં BNSની સેક્શન 72 લગાડી છે, જેમાં આજીવન કેદની સજાની જોગવાઈ છે. શક્ય એટલી ઝડપમાં પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરશે.

આનાથી વધુ ગુજરાત માટે શરમજનક શું હોઈ શકે: ગેનીબેન ઠાકોર

માંગરોળની ઘટના પર ગેનીબેન ઠાકોરે નિવેદન આપતાં જણાવ્યું હતું કે નારીશક્તિનું ગૌરવ વધારવા માટે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે ખાસ કરીને ગૃહ વિભાગની નૈતિક જવાબદારી છે અને આવું કૃત્ય કરનારા અસમાજિક તત્ત્વો પર તેમનો ખૌફ હોવો જોઈએ. ગુનેગાર હંમેશાં ગુનેગાર જ હોય છે. ભલે પછી તે કોઈપણ પાર્ટીનો હોય, તેને સજા થવી જોઈએ. સરકાર દ્વારા અધિકારીઓને પગલાં લેવા માટે છૂટ તેમજ પાવર આપવો જોઈએ.

આનાથી વધુ ગુજરાત માટે શરમજનક શું હોઈ શકે

પશ્વિમ બંગાળમાં ઘટના બંને તો આખા ગુજરાતમાં રેલીઓ કાઢે અને રાજ્યના મુખ્યમંત્રી ધરણાં પર બેસે છે. 5 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય, સ્કૂલની અંદર બળાત્કાર થાય, ગરબાઓમાં સામૂહિક બળાત્કાર થાય અને ધાર્મિકતા સાથે ભૂવાઓ 14 વર્ષની દીકરી ઉપર બળાત્કાર કરે ત્યારે આનાથી વધુ ગુજરાત માટે શરમજનક શું હોઈ શકે. ગુજરાતની એક છાપ હતી કે રાત્રે 2 વાગ્યે પણ દીકરીઓ સુરક્ષિત રીતે તેના ઘરે જઈ શકે. નવરાત્રિનો સમય છે ત્યારે મા-બાપને વિનંતી કરું છું કે સમયસર દીકરી ઘરે આવે એની કાળજી રાખે અને તેની સુરક્ષાની જવાબદારી આપણી પોતાની છે, કેમ કે હવે એવું રહ્યું નથી કે પોલીસતંત્ર કંઇ કરશે કે કોઈ ઉદાહરણ પૂરું પાડી શકાય એવા કોઇ દાખલા રહ્યા નથી.

રેન્જ આઈજી, એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે

રાજ્યમાં હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નીકળે છે. ત્યારે વડોદરાના ભાયલીમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી ત્યાં તો સુરત જિલ્લામાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસવડા, LCB, SOG અને કોસંબા પોલીસ સ્થળ પર પહોંચ્યા હતા તેમજ આરોપીને પકડવા માટે ડોગ-સ્કવોડની મદદ લેવાઇ રહી છે. પીડિતાના પરિવારનાં નિવેદનો પણ લેવાયાં હતાં.

સમાજ માટે લાંછનરૂપ ઘટના: દર્શન નાયક

માંગરોળનાં મોટા બોરસરા ગામે સગીરા સાથે દુષ્કર્મ મામલે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે જણાવ્યું હતું કે આ સમગ્ર સમાજ માટે લાંછનરૂપ અને દુઃખદ ઘટના છે. ગૃહમંત્રી સવાર સુધી ગરબા રમાવા જોઈએ એવી જાહેરાત કરે છે, પરંતુ એ કોના ભરોસે. નવરાત્રિ એ આસ્થાનું પ્રતીક છે, એની ગરિમા જળવાવી જોઈએ. માતા સમાન દીકરીઓ પર આવી ઘટના બને એ સમાજ અને આપણા માટે લાંછનરૂપ છે.

સુરત જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં 6 દુષ્કર્મ

સરકારને વિનંતી છે કે સુરત જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં 6 જેટલી દુષ્કર્મની ઘટના બની છે. આ સરકાર અને સમાજ માટે ગંભીર બાબત છે. દુષ્કર્મ કરનારા પાપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. દીકરીઓની રક્ષા થાય એવી કામગીરી કરવા સરકાર પાસે માગ કરીએ છીએ.

સુરત જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં 6 દુષ્કર્મ

સરકારને વિનંતી છે કે સુરત જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં 6 જેટલી દુષ્કર્મની ઘટના બની છે. આ સરકાર અને સમાજ માટે ગંભીર બાબત છે. દુષ્કર્મ કરનારા પાપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. દીકરીઓની રક્ષા થાય એવી કામગીરી કરવા સરકાર પાસે માગ કરીએ છીએ.

વડોદરામાં બીજા નોરતે સગીરા પર ગેંગરેપ

અગાઉ નવરાત્રિના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ત્રણેય આરોપી ઉત્તરપ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે. 1100 CCTV, ચશ્માં અને એક ફોન કોલે પોલીસને આરોપી સુધી પહોંચાડ્યા હતા. ધરપકડ બાદ આરોપીઓ લંગડાતાં-લંગડાતાં મેડિકલ ચેકઅપ માટે પહોંચ્યા હતા. ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી-બીલ રોડ વિસ્તારમાં બેઠી હતી, ત્યારે 3 નરાધમે તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. તો આ મામલે મુસ્લિમ સમાજે પણ આરોપીઓને જાહેરમાં ફાંસીની માગ કરી છે.

8 મહિનામાં પોકસોના કુલ 191 ગુના નોંધાયા

સ્ત્રી એ શક્તિ છે અને આ જ શક્તિનાં અલગ-અલગ રૂપની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ. આ પવિત્ર તહેવારમાં એક તરફ શક્તિનાં વિવિધ સ્વરૂપની પૂજા થઇ રહી છે, તો બીજી તરફ અમે તમને ગુજરાતના ક્રાઇમ કેપિટલ કહેવાતા સુરતમાં બાળકીઓ પર થતા અત્યાચાર વિશે જણાવી રહ્યા છે. આ અમારે એટલા માટે કહેવું પડે છે, કેમ કે સુરતમાં મહિને 24 બાળકી સાથે દુષ્કર્મ-છેડતી થઈ રહી છે અને એ પણ છેલ્લા 8 મહિનાથી. તો વર્ષ 2022-23માં રોજ એવરેજ 6 રેપ કેસ નોંધાયા છે. ત્યારે હવે એવું કહેવું જરા પણ ખોટું નથી કે સુરતમાં દેવીસ્વરૂપ બાળાઓને દુષ્કર્મી દાનવોનો ભય સતાવી રહ્યો છે.

સુરતમાં છેલ્લા 245 દિવસમાં એટલે કે 8 મહિનામાં પોકસોના કુલ 191 ગુના નોંધાયા છે, જેમાં દુષ્કર્મથી લઈને શારીરિક છેડતી સહિતના ગુના સામેલ છે. 8 મહિનાની અંદર નાની બાળકીઓ સાથે દુષ્કર્મની જે ઘટના બની છે એ સાંભળીને તમારા પણ રુવાંટાં ઊભાં થઈ જશે.

રાપર પંથકમાં ગરબાથી પરત ફરતી યુવતી પર દુષ્કર્મ

કચ્છના એક ગામે 18 વર્ષીય યુવતી ઉપર બળાત્કાર અને જાતિ અપમાનિત કરાઈ હોવાની ફરિયાદ પોલીસ દફ્તરે નોંધાઈ છે. આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અલબત્ત, બનાવના પગલે સમગ્ર વાગડ વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે.

Related Articles

Back to top button