નર્મદા

તિલકવાડામાં જિલ્લા પંચાયતના પ્રમુખની ગાડી રોકનારા આપના પ્રમુખ સહિત 8 સામે ફરિયાદ

તિલકવાડાના અલવા ગામે દિપડાના હુમલામાં મહિલાના મોતના મામલાએ રાજકીય રંગ પકડી લીધો છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ ઘરે ટ્રેકટરમાં પરત લઇ જવા સામે આપના આગેવાનોએ વિરોધ કર્યો હતો અને જિલ્લા પંચાયતના પ્રમુખની કારને રોકી શબવાહિની ફાળવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખની ગાડી રોકવાના ગુનામાં મૃતક મહીલાના દીકરાએ આપના 8 આગેવાનો સામે પોલીસે ફરિયાદ નોંધાવી છે. તિલકવાડા પોલીસે તાત્કાલિક અસરથી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અલવાની સુમિત્રા તડવીનું રવિવારે દિપડાના હુમલામાં મોત થયા બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તિલકવાડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને અલવા ગામે ટ્રેકટરમાં લઇ જવાતો હતો ત્યારે આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિતના આપના કાર્યકરો ત્યાં પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી પણ ત્યાં હાજર હોવાથી ટ્રેકટરમાં મૃતદેહ લઇ જવાથી મોતનો મલાજો જળવાતો નથી તેથી તાલુકામાં શબવાહિની ફાળવવામાં આવે તેવી માગ કરી હતી. આપના કાર્યકરો પ્રમુખની ગાડીની સામે જ ધરણા પર બેસી ગયાં હતાં. આ ઘટનામાં હવે રાજકીય રંગ લાગ્યો છે. મૃતકના દિકરા કલ્પેશ તડવીએ આપના પ્રમુખ નિરંજન વસાવા, મહામંત્રી અર્જુન માછી, તાલુકા પ્રમુખ ગિરિરાજસિંહ સહિત મોઇનખા દાયમા સહિત 8 કાર્યકરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ આઠેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button