માંડવી સુગરના સભાસદ આગેવાનોની જાહેર મિટીંગ અરેઠ ગામે યોજાઈ

સરકારે 260 કરોડ રૂપિયાની માંડવી સુગર ફક્ત રૂ.39 કરોડમાં વેચી દેવાતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને, સભાસદો પાયમાલી તરફ ધકેલાતા થતાં ખેડૂત આગેવાનોએ હાલ લડતના મંડાણ શરૂ કર્યા છે. માંડવી સુગરના સભાસદ આગેવાનોની એક જાહેર મિટીંગ અરેઠ ગામે યોજાઈ હતી. જેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
બેઠકના પ્રારંભમાં મઢી સુગરમાં ડિરેક્ટર રહેલા સુરેશ ચૌધરીએ માંડવી સુગરને બચાવી લેવા આહવાન કર્યું હતું. જ્યારે કાંતિભાઈ પટેલે જણાવ્યું કે, આ માંડવી સુગર આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન છે. આમા પક્ષા-પક્ષી ભૂલી જઈ ખેડૂતનું કયા ભલું થાય એ જોવાની જરૂર છે. આ સુગર પાછી સભાસદો પાસે આવે એના માટે કાયદાકીય લડત માટે હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ જવું પડે તો સભાસદો ખચકાવવાના નથી. આ સુગર અમે જવા દઈશું નહીં. આ બેઠકમાં સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે, સહકારી સુગર ફેક્ટરીઓના સાચા માલિકો ખેડૂત સભાસદો છે. બોર્ડને તો ફક્ત વહીવટ કરવા માટે જ મુકાયા હતા. જો વેચવાની બાબત આવે તો સરકારે સુગરના સભાસદોની જનરલ મિટિંગ બોલાવવી પડે અને સભાસદો નક્કી કરે ત્યાર બાદ જ નિર્ણય નક્કી કરવામાં આવે. ભારતીય જનતા પાર્ટીની સરકાર પર બધી સહકારી સંસ્થાઓ પર પોતાના પક્ષના જ કાર્યકરોને મેન્ડેટ આપી વહીવટમાં બેસાડે છે. તેમની અણઆવડતને કારણે સહકારી માળખું તૂટી ગયું છે.
આ આદિવાસી વિસ્તારમાં વર્ષોથી સહકારી માળખાઓ રોજગારી આપી રહ્યા છે. જો ભાજપ સરકાર વ્યારા અને કાંઠા સુગરને આર્થિક સહાય પેકેજ આપી શકે તો માંડવી સુગરને કેમ નહીં? માંડવી સુગર માટે પણ સરકારે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ અને સહકારી ધોરણે ફરી શરૂ કરવી જોઈએ. નાયકે કટાક્ષ કરતા જણાવ્યું કે, આ માટે છોટે સરદારના નામથી જાણીતા બારડોલીના સહકારી આગેવાન ચૂપ થઈને કેમ બેઠા છે? છોટા સરદારનું બિરુદ મળ્યું છે તો સરદાર જેવું કામ કરો. ખેડૂતોને સાથે રાખી સહકારી માળખું બચાવવા આગળ આવવું જોઈએ.
મિટિંગમાં નક્કી થયા મુજબ, આવનાર દિવસોમાં કલેકટર, જિલ્લા રજિસ્ટ્રાર, સરકાર અને પછી સુગરના ગેટ પર આંદોલન અને આવેદન પત્ર પણ આપવાનો તબક્કાવાર કાર્યક્રમ ઘડી કાઢ્યો છે.




