ડાંગ

સુબીરના વાહુટીયા ગામના લેબ ટેક્નિશિયન યુવતીનું બંધ સીમકાર્ડ અન્ય નામે ઇસ્યુ થયા બાદ રૂ. 2.67 લાખની ઓનલાઇન છેતરપિંડી

ડાંગના સુબીરમાં વાહુટીયા ગામની લેબ ટેક્નિશિયન યુવતીએ બીએસએનએલ કંપનીનો સીમકાર્ડ ઉપયોગમાં લેવાનું બંધ કર્યું હતું. જે બાદ કંપની દ્વારા આ સીમકાર્ડ હરપ્રીતસિંઘનાં નામે ઇસ્યુ કરવામાં આવ્યો હતો. જોકે યુવતીએ આ જ સીમ કાર્ડનો નંબર બેન્ક એકાઉન્ટ સાથે જોઈન્ટ કર્યો હોય ત્યારે અન્યનાં નામ ઇસ્યુ થતા તેના દ્વારા આ યુવતીનાં એકાઉન્ટમાંથી 2.67 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા અને યુવતી સાથે છેતરપિંડી કરી હતી. સમગ્ર મામલો આહવા સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યો હતો.

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં વાહુટીયા ગામે રહેતી રેશમાબેન શિવદાસભાઈ પવાર છેલ્લા છ વર્ષથી સુરતમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરે છે. તેમણે આહવા શાખાની બેન્ક ઓફ બરોડાનાં એકાઉન્ટમાં પોતાનો બીએસએનએલનો મોબાઇલ નંબર જોઈન્ટ કરાવ્યો હતો. જોકે છેલ્લા ચારેક મહિનાથી તેણીએ બીએસએનએલનાં મોબાઈલ કાર્ડમાં રિચાર્જ કરાવ્યું ન હતું અને તે સીમકાર્ડ ઉપયોગમાં લેવાનું પણ બંધ કરી દીધુ હતું. દરમિયાન સેલ્યુલર કંપની દ્વારા આ સીમકાર્ડ કોઈ હરપ્રીતસિંઘ નામક વ્યક્તિના નામ પર ઇસ્યુ કરવામાં આવ્યો હતો. જોકે આ યુવતીના બેન્ક એકાઉન્ટ સાથે આ મોબાઈલ નંબર લીંક હોવાની જાણકારી આ અજાણ્યા વ્યક્તિને થતા તેને દૂર ઉપયોગ કરીને અલગ અલગ ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હતા અને અંદાજે 2.67 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આમ ઓનલાઇન યુવતી સાથે સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હતો. જે બાદ યુવતીએ આહવા સાયબર ક્રાઇમ પોલીસ મથકે આ સાયબર ફ્રોડ અંગેનો ગુનો નોંધાવ્યો હતો. આહવા સાયબર ક્રાઈમ વિભાગનાં પીઆઈ વી.કે.ગઢવીએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલના સમયમાં લોકો સિમકાર્ડ બંધ કરાવી તેનો અન્ય જગ્યાએ ઉપયોગ થયો કે કેમ તે બાબતે કોઇ માહિતી ન રાખતા આખરે છેતરપિંડી થવાનો લોકોને વારો આવી રહ્યો છે.

Related Articles

Back to top button